હું ભારતના વડા પ્રધાન પદની રેસમાં નથીઃ રાહુલ ગાંધી

0
1323

લંડન – ભારતના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ અહીં શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે પોતે ભારતના નવા વડા પ્રધાન બનવાનું સપનું જોતા નથી. ‘હું તો આદર્શવાદના મુદ્દે લડાઈ લડી રહ્યો છું,’ એમ તેમણે વધુમાં કહ્યું.

અહીં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ કાર્યક્રમ દરમિયાન ભારતીય પત્રકારો સાથેની વાતચીત વખતે જ્યારે રાહુલને એમ પૂછવામાં આવ્યું કે ભારતના નવા વડા પ્રધાન બનવા માટે તમારો શું દ્રષ્ટિકોણ છે? ત્યારે રાહુલે જવાબમાં કહ્યું કે હું ભારતના વડા પ્રધાન બનવા માટેનું સપનું જોતો નથી. હું અત્યારે એ પદની રેસમાં સામેલ નથી. બધો નિર્ણય 2019ની લોકસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ લેવાશે.

રાહુલે યુરોપના દેશોમાંના એમના પ્રવાસના ગઈ કાલે અંતિમ દિવસે ભારતીય પત્રકારોને સંબોધિત કર્યા હતા.

હું તો આદર્શવાદના મુદ્દે લડાઈ લડી રહ્યો છું અને 2014ની ચૂંટણી બાદ મારામાં આ ફરક આવ્યો છે. મને જણાયું હતું કે ભારત દેશ પર અને ભારતીય પરંપરા પર જોખમ ઊભું થયું છે. હું એ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, રાહુલે અગાઉ ગયા મે મહિનામાં બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે જો એમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે જીત મેળવશે તો પોતે વડા પ્રધાન બનવાનું પસંદ કરશે.