બેહરીનને ગજાવ્યા બાદ રાહુલ ગાંધી હવે કેનેડા, સિંગાપોર જશે

મનામા – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગઈ કાલે બેહરીન રાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા અને આ પાટનગર શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. એમણે કહ્યું હતું કે, ‘ભારતમાં બેરોજગારીની સમસ્યા છે. ભારત હાલ સંકટમાં છે. હું આપનો (NRIsનો) સાથ મેળવવા અહીં આવ્યો છું.’

રાહુલના માનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન (GOPIO) સંસ્થા દ્વારા આયોજિત એક સમારંભમાં પોતાના સંબોધનમાં રાહુલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ભારત દેશ હાલ બેરોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ભારતમાં બેરોજગારીનું સ્તર છેલ્લા આઠ વર્ષોમાં સૌથી નીચા સ્તરે છે. ભારત હાલ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હું આપની મદદ મેળવવા માટે અહીં આવ્યો છું.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પરાજયમાંથી સહેજમાં છટકી ગઈ હતી, પણ 2019ની લોકસભા ચૂંટણીમાં અમે એને જરૂર હરાવીશું.

રાહુલે કહ્યું કે મારાથી અમુક ભૂલો થઈ છે, પણ મિડિયામાં એકતરફી વાતો આવી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટીને નવો ઓપ આપી રહ્યા છીએ. અમે ભારતને એક વિઝન આપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. જો ભાજપનો મુકાબલો નવી કોંગ્રેસ પાર્ટી સાથે થશે તો અમારી જીત પાકી છે.

કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો. બેહરીનના કાર્યક્રમના સંબોધનમાં રાહુલે એવો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર જાતિ અને ધર્મના નામ પર લોકોમાં વિભાજન કરી રહી છે. બિનનિવાસી ભારતીયો ભારતમાં ઘૃણા અને વિભાજન કરતી શક્તિઓ સામે લડવામાં કોંગ્રેસને મદદ કરે.

બેહરીન બાદ રાહુલ ગાંધી હવે કેનેડા અને સિંગાપોર તથા ત્યારબાદ મધ્યપૂર્વના દેશના પ્રવાસે પણ જવાના છે.

કોંગ્રેસ માટે બિનનિવાસી ભારતીયોનો સાથ મેળવવા અને વિદેશમાં વસતા ભારતીયોમાં કોંગ્રેસને લોકપ્રિય બનાવવાના હેતુથી જ રાહુલ ગાંધી બેહરીન ગયા હતા.