બ્રિટનમાં પીએમ મોદીએ ઉઠાવ્યો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો મુદ્દો

0
1712

લંડન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લંડન પ્રવાસ દરમિયાન બ્રિટનના પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. અને તેમને વિશ્વાસ અપાવ્યો કે, બ્રિટનના યૂરોપિય સંઘ છોડવા છતાં બ્રિટનનું મહત્વ ભારતની નજરમાં સ્હેજ પણ ઓછું થશે નહીં. વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે, બન્ને નેતાઓ વચ્ચે ભારતના ભાગેડુ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.ભારતમાં નાણાંકીય સંસ્થાઓ સાથે છેતરપીંડીના આરોપી ઉદ્યોગપતિ વિજય માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો અને હાલમાં તે બ્રિટનમાં સ્થાયી થયાં છે. બ્રિટનની અદાતલમાં વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ કેસની સુનાવણી પણ ચાલી રહી છે. માલ્યા સામે ભારતમાં આશરે રુપિયા 9 હજાર કરોડની છેતરપિંડી અને ગેરરીતિ આચરવાનો આરોપ છે.

આ પહેલા પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ મામલામાં વિજય માલ્યાની લંડન પોલીસે અનેકવાર ધરપકડ કરી હતી. પરંતુ દરેક વખતે તેને કોર્ટમાંથી સરળતાથી જામીન મળી ગયા હતા.

પીએમ મોદી અને બ્રિટનના પીએમ વચ્ચે વિજય માલ્યા ઉપરાંત પણ અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ બ્રિટનના પીએમ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, યૂરોપિય સંઘ છોડવા છતાં બ્રિટનનું મહત્વ ભારતની નજરમાં સ્હેજ પણ ઓછું થશે નહીં. બેઠક બાદ બન્ને નેતાઓએ જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચે સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.