બ્રિટનઃ આધુનિક સમયના સૌથી મોટા સ્લેવરી રેકેટનો ખુલાસો…

લંડનઃ બ્રિટનમાં આધુનિક સમયની સૌથી મોટી દાસ પ્રથાના રેકેટનો ખુલાસો થયો છે. આ મામલે 8 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યાં છે. અભિયોજકોનું કહેવું છે કે 400 થી વધારે લોકો પાસે મામૂલી વેતનમાં કામ કરાવવામાં આવ્યું જ્યારે તેમના માલિકો આશરે 20 લાખ પાઉન્ડ કમાયાં અને અત્યંત સુવિધાપૂર્ણ જીવન જીવી રહ્યાં હતાં. આ મામલે સમાચાર પ્રકાશિત કરવા પરથી પ્રતિબંધ હવે હટી ગયો છે.

હવે આ મામલા સાથે પ્રતિબંધિત રખાયેલી જાણકારીઓ પ્રકાશિત કરી શકાશે. આ ગેંગના સભ્ય બેઘર લોકો, પૂર્વ કેદીઓ અને શરાબીઓને પોલેંડમાં નિશાન બનાવતા હતાં અને તેમને સારું વેતન આપવાનો ખોટો વાયદો કરીને બ્રિટન લઈ આવતાં હતાં. આમાંથી ઘણાં લોકોને તો રોજિંદા એક ડોલરથી પણ ઓછું વેતન આપવામાં આવતું હતું અને અત્યંત ખરાબ હાલતમાં તેમને રાખવામાં આવતાં હતાં. ત્યાં સુધી કે આ લોકો પાસે ભોજન ખરીદવા માટે પણ પર્યાપ્ત પૈસા નહોતાં.

મૂળ રુપથી પોલેંડના રહેનારા પાંચ પુરુષ અને ત્રણ મહિલાઓને આધુનિક સમયની દાસ પ્રથાના અપરાધો અને મની લોન્ડ્રીંગ મામલે દોષિત ગણવામાં આવ્યાં છે.

પીડિતોમાં કિશોરથી લઈને 60 વર્ષથી વધારેની ઉંમર સુધીના લોકોનો સમાવેશ થાય છે.