વિમાન રનવે પરથી સરકીને બાજુની ઊભી કરાડોમાં ખૂંપી ગયું; 162 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો

0
2177

ટ્રેબ્ઝોન (તૂર્કી) – ગયા શનિવારની રાત અને રવિવારની વહેલી સવારે તૂર્કીના ઈશાન ભાગમાં આવેલા ટ્રેબ્ઝોન શહેરના એરપોર્ટ પર અરેરાટી ફેલાવતો એક બનાવ બની ગયો હતો, પણ સદ્દભાગ્યે એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.

એ બનાવમાં એક વિમાન રનવે પર ઉતરાણ કર્યા બાદ સરકી ગયું હતું અને બાજુની ઊભી કરાડોમાં જઈને ભયજનક રીતે ખૂંપી ગયું હતું. કરાડોની નીચે દરિયો આવેલો છે.

પીગેસસ એરલાઈન્સના બોઈંગ 737-800 વિમાનને નડેલા અકસ્માતમાં સદ્દભાગ્યે તમામ 162 પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સ કોઈ પણ પ્રકારની ઈજા વગર આબાદ રીતે ઉગરી ગયાં હતાં. એ તમામને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.

વિમાન શનિવારે સાંજે તૂર્કીના પાટનગર અંકારાથી ઉપડ્યું હતું. ટ્રેબ્ઝોન એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ વિમાને ઉતરાણ કર્યું હતું, પરંતુ આઘાત અને આશ્ચર્ય વચ્ચે વિમાન રનવે પરથી સરકી ગયું હતું અને ડાબી બાજુએ દરિયા તરફની ઊભી કરાડોમાં જઈને ખૂંપી ગયું હતું.

સ્વાભાવિક રીતે જ, વિમાનની અંદરના તમામ લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ તમામને ધીમે ધીમે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.

આ અકસ્માતને કારણે ટ્રેબ્ઝોન એરપોર્ટને અનેક કલાકો સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.

પીગેસસ એરલાઈન્સે આ ઘટના બદલ ખેદ વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને તમામ પ્રવાસીઓ ઉગરી ગયાં એ બદલ રાહતની લાગણી વ્યક્ત કરી છે.