નવાઝ શરીફે ભારતમાં કરોડોની સંપત્તિ ઉભી કરી છે: પાક. મીડિયા

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર ભારતમાં કરોડો રુપિયાનું બ્લેક મની જમા કરવાનો આરોપ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટીબલિટી બ્યૂરોએ (NBA) એક સ્થાનિક મીડિયાનો હવાલો આપી ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર નવાઝ શરીફ અને અન્ય બીજા નેતાઓએ ભારતમાં કથિત રીતે 4.9 અબજ ડોલર જેટલી સંપત્તિ બ્લેક મનીના રુપમાં જમા કરી છે.પાકિસ્તાનની ટીવી ચેનલે નેશનલ એકાઉન્ટીબલિચી બ્યૂરોના (NBA) હવાલેથી બ્યૂરોના ચેરમેને મીડિયા રિપોર્ટ અંગે વિગતવાર માહિતી મેળવવા કહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટનાનો વર્લ્ડ બેન્ક માઈગ્રેશન એન્ડ રેમિટન્સ બુક 2016માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે મીડિયા રિપોર્ટમાં આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવાઝ શરીફ અને અન્ય નેતાઓ દ્વારા એકઠા કરવામાં આવેલા બ્લેક મનીને ભારતના નાણાં મંત્રાલયમાં જમાં કરવામાં આવ્યા છે, પરિણામ એ આવ્યું કે, ભારતનું વિદેશી ભંડોળ વધ્યું અને પાકિસ્તાનને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, નવાઝ શરીફ ઉપર પહેલેથી જ ભ્રષ્ટાચારના ત્રણ કેસ ચાલી રહ્યા છે. ભ્રષ્ટાચારના લીધે જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને તેમને વડાપ્રધાન પદે માટે અયોગ્ય જાહેર કર્યા છે, અને કોઈ પણ સાર્વજનિક પદ માટે આજીવન અયોગ્ય ઠેરવ્યા છે.