નેપાળ સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે પાક. કાઠમાંડૂ પ્રવાસે પાકિસ્તાન પીએમ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પાડોશી દેશો સાથે પાકિસ્તાનના સંબંધો મજબૂત કરવાના પ્રયાસ અંતર્ગત બે દિવસના નેપાળ પ્રવાસે છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પીએમ અબ્બાસી નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નિમંત્રણ પર કાઠમાંડૂ આવ્યા છે. અહીંયા તેઓ નેપાળના પીએમ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે.નેપાળમાં હાલમાં જ થયેલા સત્તા પરિવર્તન અને કેપી ઓલીએ કાર્યભાર સંભાળ્યા બાદ અબ્બાસી પ્રથમ વિદેશી નેતા છે, જેઓ નેપાળ પ્રવાસે ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન પાક. પીએમ અબ્બાસી નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી સાથે પણ મુલાકાત કરશે. ત્રણ વર્ષ બાદ નેપાળની મુલાકાતે આવનારા અબ્બાસી પ્રથમ પાકિસ્તાની વડાપ્રધાન છે.

આ પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ 18મા સાર્ક શિખર સમ્મેલનમાં ભાગ લેવા નેપાળ ગયા હતાં. નેપાળના વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદન મુજબ પાકિસ્તાનના પીએમ અબ્બાસીના સમ્માનમાં નેપાળના પીએમ કેપી ઓલી રાત્રિભોજનનું પણ આયોજન કરશે.

પાકિસ્તાનના પીએમની નેપાળ યાત્રા અંગે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પીએમ અબ્બાસીના નેપાળ પ્રવાસથી બન્ને દેશો વચ્ચે વ્યાપાર, શિક્ષણ, પર્યટન, ઉપરાંત ડિફેન્સને પણ વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.