પાકિસ્તાની સેના હવે ઇંધણ કારોબારમાં, બેન્કિંગથી લઈ બાંધકામ સુધીનો વેપાર કરે છે સેના

ઈસ્લામાબાદઃ કેટલાય પ્રકારના ધંધામાં હાથ અજમાવી રહેલી પાકિસ્તાની સેના હવે ઇંધણના કારોબારમાં હાથ નાંખી રહી છે. પાકિસ્તાની સેના સાથે સંલગ્ન કંપનીને લગભગ 25 અબજ રુપિયાની તેલ પાઈપલાઈન બનાવવાનો ઠેકો મળ્યો છે.પાકિસ્તાનમાં અત્રતત્રસવર્ત્ર સેનાનું પ્રભુત્વ છે તે વાત અજાણી નથી,એવી જ રીતે સેનાએ ઉદ્યોગોનું પોતાનું એક મોટું વર્તુળ બનાવી લીધું છે. ત્યારે આ સમાચાર સામે આવી રહ્યાં છે કે પાકિસ્તાની સેના સૌથી વધુ નફો રળતાં તેલના કારોબારમાં પણ ઊતરી રહી છે. એક અગ્રણી અખબાર એશિયા ટાઈમ્સના હવાલે આ ખબર મળી રહ્યાં છે.પાકિસ્તાન સેના દ્વારા સંચાલિત ફ્રન્ટિયર વર્કસ ઓર્ગેનાઈઝેશનની સબસિડીયરી ફ્રન્ટિયર ઓઈલ કંપનીને 470 કિલોમીટર લાંબી પાઈપલાઈન બનાવવાનો ઠેકો મળ્યો છે. આ પ્રોજેક્ટનું કુલ મૂલ્ય આશરે 370 મિલિયન ડોલર આંકવામાં આવ્યું છે. જાણવા મળે છે કે સેનાની જે કંપનીને આ ઠેકો આપવામાં આવ્યો છે તે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ગત વર્ષે તત્કાલીન પીએમ શાહીદ અબ્બાસીએ સરકારી એજન્સી ઇન્ટરસ્ટેટ ગેસ સીસ્ટમ-આઈએસજીએસને આપવાની મંજૂરી આપી હતી, પરંતુ નવી સરકારે આ નિર્ણયને પલટાવી દીધો છે.

પાકિસ્તાની સેના અલગઅલગ કર્શીલ સંગઠનો દ્વારા ચલાવવામાં આવતાં 50થી વધુ ધંધા અને હાઉસિંગ પ્રોપર્ટીઝની માલિક છે. પાકિસ્તાની સેના ફોજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન, આર્મી વેલફેર ટ્ર્સ્ટ અને ડીફેન્સ હાઉસિંગ ઓથોરિટી પોતાના બિઝનેસ સામ્રાજ્યને ચલાવે છે. રીપોર્ટ પ્રમાણે 2016માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતાં કારોબારની વેલ્યૂ 20 બિલિયન ડૉલર-આશરે 7000 અબજ રુપિયા થઈ ગઈ હતી.

જાણવા મળ્યાં મુજબ પાકિતાની સેના દ્વારા કરવામાં આવતો ધંધોધાપો સરકારી કંપનીઓથી અલગ કોઈપણ પ્રકારની જવાબદારીથી મુક્ત છે અને તેને પાકિસ્તાનના સંરક્ષણ બજેટ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. પાકિસ્તાન સેનાના મુખ્ય વેપારધંધામાં બેન્કિંગ, ફૂડ, રીટેઈલ, સીમેન્ટ, રીયલ એસ્ટેટ, હાઉસિંગ કન્સ્ટ્રક્શન, ઇન્શ્યોરન્સ અને ખાનગી સિક્યોરિટીઝ સર્વિસ છે.