ભારત-અમેરિકાના દબાણનું પરિણામ, પાકિસ્તાને સ્વીકાર્યું હાફિઝ છે આતંકી

ઈસ્લામાબાદ- આખરે ભારત અને અમેરિકાના દબાણમાં આવીને આતંકીઓ સામે કડક પગલાં લેવા પાકિસ્તાનને ફરજ પડી છે.  હાફિઝ સઈદને પાકિસ્તાને આતંકી માન્યા બાદ તેની મુશ્કેલી વધી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક અધ્યાદેશ પર હસ્તાક્ષર કર્યા છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ આતંકી સંગઠન અને લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા સહિત તાલિબાન જેવા સંગઠનો પર લગામ લગાવવા જણાવવામાં આવ્યું છે.એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ એન્ટી ટેરરિઝમ એક્ટની એક કલમમાં સંશોધન કર્યા બાદ UNSC દ્વારા પ્રતિબંધિત વ્યક્તિઓ અને આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત તેના બેન્ક ખાતાઓને સીલ કરવા સહિતના અધિકાર આપવામાં આવ્યા છે.

UNSCની પ્રતિબંધિત યાદીમાં આતંકી સંગઠન અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-જાંગવી, જમાત-ઉદ-દાવા સહિત અન્ય બીજા આતંકી સંગઠનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદ સાથે જોડાયેલાં બે સંગઠન જમાત-ઉદ-દાવા અને FIA પર નિયંત્રણ કરવાની યોજના બનાવી હતી અને એવું માનવામાં આવતું હતું કે, આ માટે પાકિસ્તાન સરકારે યોગ્ય રુપરેખા તૈયાર કરી છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2005માં UNSCના પ્રસ્તાવ 1267 અંતર્ગત લશ્કર-એ-તૈયબાને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.