પાકિસ્તાનનો ‘યૂ-ટર્ન’: સાઉદી અરેબિયા CPECનો ત્રીજો ભાગીદાર નહીં બને

ઈસ્લામાબાદ- ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં (CPEC) સાઉદી અરેબિયાના ત્રીજા વ્યૂહાત્મક ભાગીદાર હોવાની ઘોષણાના થોડા દિવસો બાદ પાકિસ્તાને ‘યૂ-ટર્ન’ લીધો છે. પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયા હવે CPECનો હિસ્સો રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, CPEC ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની મહત્વાકાંક્ષી ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’ પરિયોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.CPEC અંતર્ગત ચીન વિવિધ માળખાકીય યોજનાઓનો વિસ્તાર કરીને વિશ્વમાં તેનું પ્રભુત્વ બનાવવા માગે છે. પાકિસ્તાની અખબારના જણાવ્યા મુજબ ત્યાંના યોજના અને વિકાસ પ્રધાન ખુસરો બખ્તીયારે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, સાઉદી અરેબિયાનું પ્રસ્તાવિત રોકાણ એક અલગ દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા CPECમાં વ્યૂહાત્મક ભાગીદાર રહેશે નહીં.

બખ્તિયારે જણાવ્યું કે, કોઈ પણ ત્રીજો દેશ આમાં ત્યારે જ ભાગીદાર બની શકે છે જ્યારે તે પ્રોજેક્ટની બહાર રોકાણ અને વ્યવસાયનો ભાગ બને. તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન વચ્ચે કરારની રુપરેખા દ્વિપક્ષીય છે. અને સાઉદી અરેબિયા ત્રીજા રોકાણકાર તરીકે આમાં શામેલ થઈ શકે નહીં.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાનના સઉદી અરેબિયાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ ગત મહિને જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા CPECનું ત્રીજું વ્યૂહાત્મક ભાગીદાર છે.