નવાઝ શરીફને ગળે મળવાની કીમત આશરે ‘દોઢ લાખ’ રુપિયા

ઈસ્લામાબાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહુચર્ચિત લાહોર યાત્રા અંગે એક મહત્વની જાણકારી સામે આવી છે. પીએમ મોદીની આ યાત્રા માટે પાકિસ્તાને ભારતને રૂટ નેવિગેશન ચાર્જ લગાવ્યો છે. જેના માટે પાકિસ્તાને ભારત સરકારને આશરે 1 લાખ 49 હજારનું બિલ મોકલાવ્યું છે.આપને જણાવી દઈએ કે, 25 ડિસેમ્બર 2015ના રોજ પીએમ મોદી અફઘાનિસ્તાન યાત્રાથી સ્વદેશ પરત ફરવા દરમિયાન અચાનક પાકિસ્તાન ગયા હતા. આ ઘટનાએ ભારત સહિત વિશ્વને આશ્ચર્યમાં મુક્યાં હતાં. એ સમયે લાહોરના અલ્લામા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફે પીએમ મોદીને એરપોર્ટ પર આવકાર્યા હતા અને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી અને નવાઝ શરીફની મુલાકાતનો એ ફોટો પણ ઘણો લોકપ્રિય થયો હતો. જોકે આ અંગે હવે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ઈન્ડિયન એરફોર્સના જે વિમાનમાં પીએમ મોદી મુસાફરી કરી રહ્યાં હતાં, તે વિમાનને પાકિસ્તાનની ધરતી પર ઉતરવા માટે ભારત સરકારે આશકે દોઢ લાખ રુપિયા પાકિસ્તાનને ચુકવવા પડ્યા છે. આ માહિતી પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા RTI અંતર્ગત એક રેકોર્ડ દ્વારા મેળવવામાં આવી છે.