પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, PTI ઉમેદવાર અલ્વીનું નામ સૌથી આગળ

0
731

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં હાલમાં જ નવા વડાપ્રધાન અને સાંસદોની ચૂંટણી સંપન્ન થઈ છે. હવે આ સાંસદો મળીને આજે પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આજે મતદાન બાદ નવા રાષ્ટ્રપતિ નક્કી કરવામાં આવશે.આ ચૂંટણીમાં પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (PTI) ઉમેદવાર આરિફ અલ્વીની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જોકે તેમણે સંયુક્ત રુપે એકજૂટ થયેલા વિપક્ષના ઉમેદવારનો સામનો કરવો પડી શકે છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ મમનૂન હુસેનનો કાર્યકાળ આગામી 8 સપ્ટેમ્બરે પુરો થઈ રહ્યો છે.

આ ચૂંટણીમાં બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીએ (PPP) એતજાજ અહસાનને પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, મુત્તાહિદા મજલિસ-એ-અમાલ, અવામી નેશનલ પાર્ટી, પખ્તૂનખ્વા મિલ્લી અવામી પાર્ટી અને નેશનલ પાર્ટીએ જમીયત ઉલમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ઈસ્લામાબાદ સ્થિત સંસદ ભવન ઉપરાંત લાહોર, કરાચી, પેશાવર અને ક્વેટા પ્રાંતની અસેમ્બલીમાં આજે સવારે 10 વાગ્યાથી શરુ કરવામાં આવ્યું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મોડી સાંજ અથવા રાત સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે.