આતંકવાદને કાબૂ નહીં કરવાને કારણે પાક.ને ઝાટકો, FATFએ કર્યો ‘ગ્રે લિસ્ટ’માં સમાવેશ

ઈસ્લામાબાદ- આતંકવાદ પર કાબૂ નહીં કરી શકવાને કારણે પાકિસ્તાનને વધુ એક ઝાટકો લાગ્યો છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનનો ‘ગ્રે લિસ્ટ’માં સમાવેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાને FATFને 26 પોઈન્ટનો એક્શન પ્લાન સુપ્રત કર્યો હતો જેથી તે FATFની કાર્યવાહીથી બચી શકે. જોકે પાકિસ્તાન વધુ એકવાર બ્લેક લિસ્ટમાં સામેલ થવાથી બચી ગયું છે, જે તેના માટે થોડા રાહતના સમાચાર ગણી શકાય.પાકિસ્તાને પોતાના તરફથી પુરતા પ્રયાસ કર્યા હતા કે, 37 સદસ્યો ધરાવતા આ સંગઠનનો નિર્ણય તેના વિરુદ્ધમાં ન આવે. પરંતુ પાકિસ્તાન તેમાં સફળ થયું નહતું. મળતી માહિતી મુજબ FATFનો આ નિર્ણય પેરિસમાં યોજાયેલી પ્લેનરી સેશન દરમિયાન લેવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ તેના નાણાપ્રધાન શમશાદ અખ્તર કરી રહ્યા હતાં.

FATFએ પેરિસ સ્થિત આંતર સરકારી સંસ્થા છે. જેનું કામ ગેરકાયદે નાણાકીય સહાયને અટકાવવા નિયમો બનાવવાનું છે. જેની સ્થાપના વર્ષ 1989માં કરવામાં આવી હતી. મહત્વનું છે કે, FATF દ્વારા કોઈ દેશનો ગ્રે અથવા બ્લેક લિસ્ટમાં સમાવેશ કરાયા બાદ તેને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ એક રાજનીતિથી પ્રેરિત નિર્ણય છે અને તેનો આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહીથી કંઈ જ લેવાદેવા નથી. FATFના જણાવ્યા મુજબ આ યાદીમાં પાકિસ્તાનને એક અથવા તેનાથી વધુ વર્ષ માટે રાખવામાં આવી શકે છે. જોકે પાકિસ્તાનને સમય પહેલાં આ યાદીમાંથી દુર પણ કરવામાં આવી શકે છે. જે ભૂતકાળમાં કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં પાકિસ્તાનને વર્ષ 2012થી 2015 સુધી FATFની ગ્રે લિસ્ટ સામેલ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ આ પ્રક્રિયા ફેબ્રુઆરી-2018માં શરુ કરવામાં આવી હતી. જ્યારે FATFએ પોતાના આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમૂહ અંતર્ગત દેખરેખ હેઠળ પાકિસ્તાનના નોમિનેશનને મંજૂરી આપી હતી. જેને ગ્રે લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.