પરવેઝ મુશર્રફની મુશ્કેલી વધી, પાકિસ્તાનમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અદાલતમાં હાજર નહીં થવા અંગે પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફને ચૂંટણી લડવા માટે આપવામાં આવેલી શરતી પરવાનગી પાછી ખેંચી લીધી છે. એટલે કે, હવે પરવેઝ મુશર્રફ પાકિસ્તાનમાં ચૂંટણી લડી શકશે નહીં. પાકિસ્તાનની અદાલતે ગયા સપ્તાહે મુશર્રફને આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી, ત્યાર બાદ તેમણે ઉત્તરી ચિત્રાલ જિલ્લામાંથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું.આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પરવેઝ મુશર્રફને શરતી પરવાનગી આપી હતી કે, તેઓ આજીવન યોગ્યતા સાથે જોડાયેલા મામલામાં 13 જૂનના રોજ કોર્ટમાં હાજર થશે. મુખ્ય ન્યાયાધિશ સાકિબ નિસારે અદાલતમાં હાજર નહીં થવા પર પાકિસ્તાનના પૂર્વ સૈન્યવડા પરવેઝ મુશર્રફને ફટકાર લગાવી હતી. અને પૂર્વ લશ્કરી વડાને 14 તારીખ સુધીમાં કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન પરવેઝ મુશર્રફના વકીલ કમર અફઝલે કોર્ટને જણાવ્યું કે, પરવેઝ મુશર્રફનું પાકિસ્તાન પરત પરવાનું નક્કી હતું પરંતુ તેમના માટે તાત્કાલિક આવવું શક્ય નહતું. કમર અફઝલે કહ્યું કે, મારે મુશર્રફ સાથે વાત થઈ છે. તેમણે વધારે સમયની માગ કરી છે. તેઓ પાકિસ્તાન પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ ઈદની રજાઓ અને બિમારીને કારણે તેમના માટે તાત્કાલિક યાત્રા કરવું શક્ય નહતું.

ત્યારબાદ મુખ્ય ન્યાયાધિશે સુનાવણી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી અને કહ્યું કે, આગામી સુનાવણી ત્યારે જ કરવામાં આવશે જ્યારે અરજદાર તેના માટે તૈયાર હોય. ન્યાયાધિશે જણાવ્યું કે, અમે કોર્ટની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરીએ છીએ. વધુ સુનાવણી ત્યારે જ કરવામાં આવશે જ્યારે અરજદારની ઈચ્છા હશે. જોકે, દરમિયાન ન્યાયાધિશે પરવેઝ મુશર્રફને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી લડવા માટે આપવામાં આવેલી શરતી પરવાનગી પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પરવેઝ મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે અને તેમના વિરુદ્ધ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં અનેક કેસ પેન્ડિંગ છે.