પાકિસ્તાન: નેશનલ એસેમ્બલી અને વિધાનસભાની 849 બેઠક માટે 11800થી વધુ ઉમેદવાર મેદાનમાં

0
1014

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય વિધાનસભાની કુલ 849 સામાન્ય બેઠકો પર 25 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. જેની માટે 11 હજાર 855 ઉમેદવારો તેમનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. પાકિસ્તાન ચૂંટણી પંચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જે મુજબ નેશનલ એસેમ્બલીની 272 બેઠકો ઉપર 3 હજાર 459 ઉમેદવારો ચૂંટણી લડશે.ચાર પ્રાંતીય વિધાનસભાની 577 બેઠકો માટે 8 હજાર 396 ઉમેદવારો મેદાનમાં છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો છે. જે પૈકી 272 સીધા ચૂંટાઈને આવે છે. જ્યારે 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે.

પાકિસ્તાની અખબારના જણાવ્યા મુજબ આંકડાઓ ઉપર નજર કરીએ તો જાણવા મળશે કે, વર્ષ 2013ની સામાન્ય ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2013માં 15 હજાર 629 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હતા. જે પૈકી 4 હજાર 671 ઉમેદવારો નેશનલ એસેમ્બલી માટે હતા અને 10 હજાર 958 ઉમેદવારો પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી લડી રહ્યાં હતાં. અખબારના જણાવ્યા મુજબ રોચક વાત એ છે કે, આગામી ચૂંટણીમાં મોટા રાજકીય પક્ષોનું નેતૃત્વ કરનારા નેતાઓ અને અન્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓ એકથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે.