USનો દબાવ બેઅસર: પાક. અખબારે છાપ્યું હાફિઝના ફોટો વાળું કેલેન્ડર

ઈસ્લામાબાદ- અમેરિકા અને ભારતના દબાવ છતાં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન કંટ્રોલ નથી કરી શકતું. અને પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું હોવાની વાત ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાનના એક અખબારે વર્ષ 2018નું કેલેન્ડર છાપ્યું છે જેમાં આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદનો ફોટો છાપવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ઉર્દૂ અખબાર ‘ખબરે’એ વર્ષ 2018ના કેલેન્ડરમાં હાફિઝ સઈદની તસવીર છાપી હતી. જેનો ફોટો પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કર્યો હતો. પોતાના ટ્વીટમાં પાકિસ્તાની પત્રકારે લખ્યું કે, પાકિસ્તાની ઉર્દૂ અખબારે પોતાનું નવું કેલેન્ડર હાફિઝ સઈદના ફોટા સાથે પ્રસિદ્ધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદને પુરાવાના અભાવમાં પાકિસ્તાનની કોર્ટે છોડી મુક્યો હતો. પોતાને છોડી મુકાયા બાદ હાફિઝ સઈદે પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હાફિઝે મિલ્લી મુસ્લિમ લીગ નામથી પોતાની રાજકીય પાર્ટી પણ બનાવી છે. જે તેના પ્રતિબંધીત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનું જ નવું સ્વરુપ માનવામાં આવે છે. જોકે હજી સુધી હાફિઝ સઈદની પાર્ટીને પાકિસ્તાન ચૂંટણી પંચે માન્યતા આપી નથી. ગત સપ્તાહે હાફિઝે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ જેહાદ શરુ કરવાનું પણ આહ્વાન કર્યું છે.