કશ્મીર મુદ્દાને ICJમાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન

ઈસ્લામાબાદ- વૈશ્વિક મંચ ઉપર આતંકવાદ માટે ‘સેફ હેવન’ પુરવાર થયેલું પાકિસ્તાન હજી પણ કશ્મીર રાગ આલાપવાનું બંધ નથી કરતું. સૂત્રોનું માનીએ તો હવે પાકિસ્તાન કશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં (ICJ) લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ કુલભૂષણ જાધવ કેસની જેમ હવે પાકિસ્તાન કશ્મીર (PoK) મુદ્દાને પણ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં (ICJ) લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. જે અંગે પાકિસ્તાન સરકારે સંકેત પણ આપ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર કશ્મીર મુદ્દો ઉઠાવવાની પાકિસ્તાનની ઈચ્છા પુરી થશે તેમ લાગતું નથી.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલને જ્યારે પુછવામાં આવ્યું કે, શું પાકિસ્તાન કશ્મીર મુદ્દાને ICJમાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે? જવાબમાં મોહમ્મદ ફૈસલે કહ્યું કે, આ અંગે પાકિસ્તાનના કાયદા નિષ્ણાત ચર્ચા કરી રહ્યા છે. વધુમાં ફૈસલે કહ્યું કે, જમ્મુ-કશ્મીર મામલાને ICJમાં લઈ જવો એ કાયદાકીય રીતે જટીલ પ્રક્રિયા છે. અને પાકિસ્તાનના અટોર્ની જનરલ આ વિષય પર કામ કરી રહ્યા છે. આવનારા સમયમાં કશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર લઈ જવાના પણ મોહમ્મદ ફૈસલે સંકેત આપ્યા છે.

ફૈસલે કહ્યું કે, પાકિસ્તાન કશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવા પોતાના પુરા પ્રયાસ કરી રહ્યું છે. કુલભૂષણ જાધવના કેસને યાદ કરતાં ફૈસલે કહ્યું કે, જાધવની પત્ની અને માતાને મળવાના ભારતના અનુરોધને પાકિસ્તાન માનવીય આધાર પર વિચાર કરી રહ્યું છે. જે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.