પાકિસ્તાનને અરબી સમુદ્રમાંથી હાથ લાગી શકે છે મોટો ‘જેકપોટ’

નવી દિલ્હી- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, તેનો દેશ અરબી સમુદ્રમાં મોટા પ્રમાણમાં ઓઈલ અને ગેસનો ભંડાર શોધવાની ખૂબ જ નજીક છે. જો આ ભંડાર મળી જશે તો, પાકિસ્તાન માટે તે જેકપોટ સમાન હશે અને તેની મદદથી પાકિસ્તાનની ગરીબી દૂર થઈ શકશે. આ શોધથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

ઈમરાન ખાને કહ્યું કે, અમે તમામ લોકો એવી પ્રાર્થના કરીએ છીએ કે, અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધન મળે. અમારી અપેક્ષાઓ અપતટીય ક્ષેત્રે ચાલી રહેલા ખોદકામથી છે, જે એક્સોન મોબિલ (Exxon Mobile)ની આગેવાની વાળુ જૂથ છે.

ઈમરાન ખાને કહ્યું કે, ઓઈલની શોધ માટે અપતટીય વિસ્તારમાં ખોદાકામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. પહેલા જ ત્રણ સપ્તાહનો વિલંબ થયો છે, પરંતુ એવા સંકેત છે કે, અમે અમારા જળ વિસ્તારમાં પ્રાકૃતિક સંસાધનનો મોટો ભંડાર શોધી લેશું. જેનાથી પાકિસ્તાનની તસવીર સુધરશે.

એક્સોન મોબિલ તથા આંતરરાષ્ટ્રીય તેલ ખાણકામ કંપની ઇએનઆઇ (ENI) જાન્યુઆરી મહિનાથી સમુદ્રમાં ઘણા ઊડાણ વાળા વિસ્તારમાં ખોદકામ કરી રહી છે. આ વિસ્તારને કેકરા-1 ક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે. ઈટલીની ઈએનઆઈ તથા અમેરિકાની ઓઈલ કંપની એક્સોન મોબિલ સંયૂક્ત રીતે પાકિસ્તાનના અરબી સમુદ્ર વિસ્તારમાં પ્રાકૃતિક ગેસની શોધ કરી રહી છે.

આતંકવાદને કારણે પશ્ચિમ દેશોની કેટલીક અન્ય કંપનીઓ પાકિસ્તાન છોડીને જતી રહી હતી. એક્સોન મોબિલ અંદાજે એક દાયકા પછી પાકિસ્તાન પરત આવી છે. ગત વર્ષે એક સર્વેમાં પાકિસ્તાની જળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનનો ભંડાર હોવાના સંકેત મળ્યા બાદ કંપની પરત આવી છે.

ઈમરાન ખાનને ભરોસો છે કે, જો ઓઈલનો ભંડાર મળશે તો, પાકિસ્તાનની ઘણીખરી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. ત્યાર બાદ દેશના વિકાસને કોઈ નહીં રોકી શકે. આર્થિક સ્થિરતા જાળવી રાખવી સૌથી મોટો પડકાર છે.