ચૂંટણી પ્રચારના બહાને હાફિઝ સઈદ ચલાવી રહ્યો છે ‘આતંકની પાઠશાળા’

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલો મુંબઈના આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ ગુનેગાર હાફિઝ સઈદ હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રચારના નામે પણ આતંકી હાફિઝ સઈદ પોતાના નાપાક ઈરાદાને અંજામ આપી રહ્યો છે. આ માટે હાફિઝે હવે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવવાનું શરુ કર્યું છે.લાહોરમાં ગત 23 અને 24 જૂનના રોજ હાફિઝ સઈદે પોતાના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ માટે સોશિયલ મીડિયા કન્વેન્શન આયોજીત કર્યું હતું. આ બે દિવસીય વર્કશોપ દરમિયાન ફરી એકવાર હાફિઝ સઈદે પાકિસ્તાનના યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.

આપને જણાવી દઈએ કે, હાફિઝ સઈદે ચૂંટણી લડનાવા ઈરાદા સાથે મિલ્લી મુસ્લિમ લીગની રચના કરી છે. પરંતુ તેને રાજકીય પાર્ટી તરીકે માન્યતા મળી નથી. જેથી હવે આતંકી હાફિઝ સઈદે અલ્લાહ-હૂ-અકબર પાર્ટીના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈએ સામાન્ય ચૂંટણી યોજાશે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 272 બેઠકો છે. જેમાંથી 200થી વધુ બેઠકો ઉપર હાફિઝ સઈદ તેના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યો છે. જોકે તેણે પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેનો પુત્ર તલ્હા સઈદ અને તેનો જમાઈ ચૂંટણી લડી રહ્યાં છે.

હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાને જૂન-2014માં અમેરિકાએ વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. બીજી તરફ અમેરિકાએ આતંકવાદી સંગઠનોની જે યાદી જાહેર કરી છે. તેમાં મિલ્લી મુસ્લિમ લીગ અને તહરિક-એ-આઝાદી-એ-કશ્મીરને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા પ્રેરિત સહયોગી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.