પાકિસ્તાન: પીએમ બનતાં જ બ્લેકમની વિરુદ્ધ ઈમરાન ખાન એક્શનમાં

0
842

ઈસ્લામાબાદ- ઈમરાન ખાને મની લોન્ડ્રિંગની સમસ્યાનો સામનો કરવા બ્રિટન સરકારનો સહકાર માગ્યો છે. ઈમરાન ખાને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બ્રિટનના વડપ્રધાન થેરેસા મે સાથે વાત કરી હતી. આ માહિતી પાકિસ્તાનના મીડિયા અહેવાલોમાં આપવામાં આવી છે. આ અગાઉ ઈમરાન ખાને જણાવ્યું હતું કે, તેઓ દેશને લૂંટી લેનારાઓ સામે પગલાં લેશે.ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનનો બ્રિટનને બ્લેકમની માટે સહયોગ આપવાનો કરાયેલો આગ્રહ એટલા માટે પણ મહત્વપૂર્ણ બને છે, કારણકે પકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના સંબંધીઓ હાલમાં ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તેમના વિરુદ્ધ કથિત મની લોન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારના અન્ય કેસ પણ નોંધાયેલા છે.

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ઈમરાન ખાનને અભિનંદન આપવા ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન થેરેસા મેએ ઈમરાન ખાનને કહ્યું કે, તેમની સરકાર પાકિસ્તાન સાથેના તેમના સંબંધોને વધુ આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં થેરેસા મેએ ઈમરાન ખાનને કહ્યું કે, ‘અમે પાકિસ્તાન સાથે ભાગીદારીના નવા રસ્તા ખોલવા તૈયાર છીએ’.