પાકિસ્તાન: PM બનતાં પહેલાં જ ઈમરાન ખાનને NABનું સમન

0
1147

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયારી કરી રહેલા ઈમરાન ખાનને સરકારી હેલિકોપ્ટર્સના દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ (NAB) સમન મોકલાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ ઈમરાન ખાન દ્વારા કરવામાં આવેલા સરકારી હેલિકોપ્ટર્સના દુરુપયોગને કારણે  ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સરકારી ખજાનાને રુપિયા 21.7 લાખનું નુકસાન થયું છે.નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાનને 7 ઓગસ્ટે હાજર થવા સમન ઈશ્યૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે, ખૈબર પખ્તૂનખ્વામાં વર્ષ 2013થી ઈમરાન ખાનની પાર્ટીની પ્રાંતિય સરકાર છે. PTIના જણાવ્યા મુજબ NAB પ્રાંતિય સરકારના હેલિકોપ્ટરના 72 કલાક ઉપયોગ કરવાથી પ્રાંતિય સરકારના ખજાનામાં રુપિયા 21.7 લાખના થયેલા નુકસાનના કેસની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનને આ પહેલા 18 જુલાઈના રોજ સમન મોકલવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણીમાં રોકાયેલા હોવાને કારણે ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરો (NAB) સમક્ષ હાજર થઈ શક્યા નહતા. ઈમરાન ખાનના વકીલે આ અંગે અરજી દાખલ કરતાં આ મામલામાં ચૂંટણી પછીની તારીખ આપવા NABને અનુરોધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.