અમેરિકા છીનવી શકે છે પાકિસ્તાનનો મહત્વનો દરજ્જો, એક્શન માટે તૈયાર ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝાટકો આપવાની તૈયારી કરી લીધી છે. અમેરિકી રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસે જણાવ્યું છે કે અમેરિકા પાકિસ્તાનના એસએમએમએ પાછા લેવા પર વિચાર કરી શકે છે.

જેમ્સ મૈટિસે જણાવ્યું કે જો પાકિસ્તાન સાથે કુટનૈતિક વાતની વધુ એક કોશીશ નિષ્ફળ જશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે.

રજૂ કરાયું હતુ બિલ

મેજર નોન નાટો સહયોગીના દરજ્જાને રદ કરવા માટે બિલ પાસ કરવામાં આવ્યું હતુ. આમાં જણાવવામાં આવ્યું હતુ કે પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ પ્રભાવશાળી રીતે લડવામાં નિષ્ફળ ગયું છે.

બુશે આપ્યો હતો પાકિસ્તાનને આ હોદ્દો

વર્ષ 2004માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે પાકિસ્તાનને મેજર નોન નાટો સહયોગી દેશનો દરજ્જો આપ્યો હતો, જેથી અલકાયદા અને તાલિબાન સાથે મુકાબલો કરવામાં અમેરિકાને મદદ મળે.

આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાનને અપાઈ સલાહ

અમેરિકા તરફથી ફરીએકવાર પાકિસ્તાનને સલાહ આપવામાં આવી છે કે તે આતંકવાદને છોડીને ભારત સાથે દોસ્તી કરી લે. અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસે જણાવ્યું કે પાકિસ્તાન જો પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવા માટેની રીત શોધી લે અને પોતાની જમીનને આતંકવાદીઓ માટે સહારો ન બનવા દે તો તેને ભારત પાસેથી ઘણા આર્થિક લાભો પ્રાપ્ત થઈ શકે છે.