હજ સબસિડી હટાવી તો પાકિસ્તાની સાંસદોએ આપ્યું ભારતનું ઉદાહરણ

લાહોર- પાકિસ્તાનમાં આજકાલ હજ સબસિડીને લઈને સંસદની અંદર અને બહાર રાજકીય હંગામો ચાલી રહ્યો છે. પાકિસ્તમાં સત્તાધારી પક્ષ ઈમરાનખાનની સરકારે હજ સબસિડીને રદ કરી દેવાનો નિર્ણય લીધો છે. જેથી વિપક્ષી દળો સરકારની ભારે આલોચના કરી રહ્યાં છે. સંસદમાં વિપક્ષી દળોએ હજ ખર્ચમાં 63 ટકા વધારાના પગલાંને રદ કરી દીધું છે.

જમાત-એ-ઈસ્લામી સાંસદ મુસ્તાક અહમદે ઈમરાન ખાન સરકારની હજ નીતિને લઈને નિરાશા દર્શાવતા સરકારને એ યાદ અપાવ્યું છે કે, ઈમરાનની સરકારે દેશને મદીના રાજ્યની જેમ બદલી નાખવાનો દાવો કર્યો હતો.

વધુમાં કહ્યું કે, સમગ્ર દેશ આ નવી હજ નીતિને લઈને ચિંતિત છે. સરકારે હજના ખર્ચમાં લોકોને થોડી રાહત આપવી જોઈએ, ખર્ચમાં વધારો કરવાથી સામન્ય લોકોની પહોંચથી હજ દૂર થઈ જશે.

ગત ગુરુવારે કેબિનેટે હજ નીતિ 2019ની જાહેરાત કરી જેમાં સરકારી યોજના હેઠળ હજ યાત્રા કરનારને હવે 4,56,426 રૂપિયા (કુર્બાની સહિત) ચૂકવવા પડશે. તેની સામે ગત વર્ષે વ્યક્તિ દિઠ 2,80,000 રૂપિયા જ ચૂકવવા પડતા હતાં. એટલે કે હવે નવી નીતિ હેઠળ હજ માટે દરેક વ્યક્તિએ 1,76,426 રૂપિયા વધારાના આપવા પડશે.

અહમદ મુસ્તાકે કહ્યું કે, મદીના રાજ્યના સપના દેખાડનાર સરકાર લોકોને મક્કા અને મદીના જવાથી જ રોકી રહી છે. સરકારે સિનિમા પર અરબો રૂપિયાના ખર્ચ કરવા કરતા હજ સબસિડી આપવી જોઈએ.

તો બીજી તરફ સરકારનું કહેવું છે કે, પાકિસ્તાનને મદીના રાજ્યમાં તબદિલ કરવા માટેના પોતાના દાવ પર અમે હજુ પણ કાયમ છીએ. હજનો 70 ટકા ખર્ચ સાઉદી અરબમાં થાય છે, અને ત્યાંના ખર્ચ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. આ ઉપરાંત સાઉદી અરબમાં રહેવાસ ખાવા પીવા અને અન્ય સેવાઓનો ખર્ચ વધી ગયો છે. તેમ છતાં સરકાર લોકોને રાહત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે.

ધાર્મિક બાબતોના પ્રધાને કહ્યું કે, મદીના મોડેલનો અર્થ એવો નથી કે, અમે ફ્રીમાં હજ યાત્રા કરાવીએ. સરકારના જે રિયાસત-એ-મદીના મોડેલની વાત કરી રહી છે, તેમાં લોકોની સુખાકારી, ગરીબી દૂર કરવી, શિક્ષિત સમાજ, મૂળભૂત પાયાનો વિકાસ અને પાકિસ્તાનને કલ્યાણકારી રાજ્યમાં બદલવાનો સમાવેશ થાય છે.

JI પ્રમુખ સિરાઝુલ હકે કહ્યું કે, ભારત, બાગ્લાદેશ, અને અફઘાનિસ્તાન તેમના હજ યાત્રીઓ પર વધારોનો બોજો નથી નાંખી રહી, તો પાકિસ્તાનની સરકાર આવુ શા માટે કરી રહી છે? વધુમાં તેમણે કહ્યું કે, યુદ્ધથી પ્રભાવિત અફઘાનિસ્તાન પણ હજ યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની સરકાર હજ યાત્રીઓની મુશ્કેલી વધારી રહી છે.

ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાનના લોકોને મોંઘી હજ યાત્રાનો ભેટ આપી છે. એવુ લાગી રહ્યું છે કે, સરાકાર આ યાત્રાના ધાર્મિક કર્તવ્યની રીતે નહીં પરંતુ કમાણીના સાધાન તરીકે જુએ છે. પાકિસ્તનાના ઈતિહાસની આ પ્રથમ કેબિનેટ છે, જેમણે હજ યાત્રા પર સબસિડી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ સરાકના પક્ષમાં કહ્યું કે, સરકાર આર્થિક સંકટને ધ્યાનમાં લેતા હજ સબસિડી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે 1,84,000 પાકિસ્તાની તિર્થયાત્રીઓને હજની યાત્રા કરવાની તક મળશે. જેમાં 500 હજ સ્લોટ ગરીબો માટે આરક્ષિત રાખવામાં આવ્યાં છે.