11 ઓગસ્ટે પાકિસ્તાનના PM પદના શપથ ગ્રહણ કરીશ: ઈમરાન ખાન

0
863

ઈસ્લામાબાદ- પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને જણાવ્યું છે કે, તેઓ 11 ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ માહિતી ઈમરાન ખાને ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાંથી ચૂંટાયેલા સાંસદો સાથે ઈસ્લામાબાદમાં એક બેઠક દરમિયાન જણાવી હતી.બીજી તરફ પાકિસ્તાનની અન્ય બે પ્રમુખ પાર્ટીઓ પાકિસ્તાન મુસ્લિમલીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ (PPP) આંતરિક મતભેદ ભૂલીને નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની નવી સરકાર સાથે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનની પાર્ટીને 115 બેઠકો મળી છે, જે સરકાર રચવા બહુમતીના આંકડાથી 22 બેઠકો ઓછી છે. બીજી તરફ પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ નેશનલ એસેમ્બલીમાં ‘સંકલિત સંયુક્ત વ્યૂહરચના’ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

ગતરોજ એક બેઠકમાં PTI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર બનાવવા તેઓ નાના પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોની મદદ લઈ શકે છે. વધુમાં PTIએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકાર બનાવવા તેઓ PML-N અથવા PPPનો સહયોગ લેશે નહીં. જેથી ઈમરાન ખાન માટે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સહારો લેવો એનિવાર્ય થઈ જશે.

મીડિયા અહેવાલ અનુસાર PTIના નેતા ઈમરાન ખાન મુત્તાહિદા કૌમી મુવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) ઉપરાંત અન્ય કેટલાંક અપક્ષોના સંપર્કમાં છે. MQM-Pના છ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. આ સિવાય 13 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જીત્યા છે. PTI નેતાએ સમર્થન મેળવવા સિંધ પ્રાંતના ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ સાથે પણ સંપર્ક કર્યો છે. GDA પાસે બે સાંસદો છે. જો કે, હજી સુધી GDA દ્વારા PTIને સમર્થનના કોઈ સંકેત આપ્યા નથી.