તો ભારત-અફઘાન વેપાર માટે તેની જમીનનો ઉપયોગ કરવા દેશે પાકિસ્તાન

0
935

ઈસ્લામાબાદ- પાકિસ્તાને આ વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાન સાથે વાટાઘાટો કરીને એ વાતના સંકેત આપ્યા હતા કે, તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વ્યવસાય માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા દેવાના પક્ષમાં છે. આ અંગેની માહિતી અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જોન બાસે એક મુલાકાત દરમિયાન આપી હતી.જોન બાસ દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતા ઘણી મહત્વની છે કારણ કે, પાકિસ્તાન ગત કેટલાક વર્ષોથી ભારતના સામાનને અફઘાનિસ્તાન મોકલવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યું નહતું.

જોન બાસે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકારે બે અગત્યના ડેવલપમેન્ટ બાદ અફઘાનિસ્તાન સાથે આ અંગે વાટાઘાટ કરી હતી. તેઓએ જણાવ્યું કે, ‘અમે ભારતથી અફઘાનિસ્તાનમાં કરવામાં આવતી નિકાસમાં વધારો જોઈ રહ્યા છીએ. ચોક્કસપણે આ નિકાસની વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે છે. પરંતુ તે મહત્વપૂર્ણ છે.

મુંબઈમાં આયોજિત ‘ભારત-અફઘાનિસ્તાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ શો’થી અલગ મુદ્દો ઉઠાવીને અમેરિકન રાજદૂતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના વિકાસમાં યોગદાન આપવા ભારતીય કંપનીઓએ વ્યાપકપણે ત્યાં રોકાણ કર્યું છે. ગત વર્ષે ભારતીય કંપનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં 27 મિલિયન ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.