તો ઈમરાન સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરી શકે છે

ઈસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર રાજનીતિક હલચલ વધી ગઈ છે. પાકિસ્તાન સરકારે ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તાર મામલે આજે કેબિનેટની બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ઔપચારિક રીતે ગિલગિટ બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે.પાકિસ્તાન સરકાર તરફથી ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના લીગલ સ્ટેટસની સમિક્ષા કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કહેવાય છે કે, લીગલ સ્ટેટસની સમિક્ષા થયા બાદ પાકિસ્તાન ગિલગિટ બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગિલગિટ અને બાલ્ટસ્તાન એ PoK હેઠળ આવે છે. જેને ભારત પહેલેથી જ પોતાનુ અભિન્ન અંગ ગણાવી રહ્યું છે. નોર્ધન એરિયાઝના નામથી પ્રસિદ્ધ જમ્મુ અને કશ્મીરના આ ભૂભાગને હવે પાકિસ્તાન પોતાન પાંચમા પ્રાંત જાહેર તરીકે જાહેર કરવા તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિર નિસારના નેતૃત્વવાળી સાત જજોની પેનલે ઓક્ટોબરમાં પાકિસ્તાન સરકારને નિર્દેશ આપ્યા હતાં કે, તે પાકિસ્તાનના બીજા પ્રાંતોને સમકક્ષ લાવવા માટે આ વિસ્તારના લીગલ સ્ટેટસની સમિક્ષા કરે.પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે આ આદેશ પર અમલ કરતા 10 સદસ્યોની એક કમિટી બનાવી છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પણ તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સરકાર દ્વારા રચાયેલી વિશેષ પેનલના સૂચનનો સ્વીકાર કરતા નિર્દેશ આપ્યો હતો. આ પેનલ વિસ્તારના બંધારણીય અને પ્રશાસનિક સુધારા માટે બનાવવામાં આવી હતી.