પાકિસ્તાન: પૂર્વ પીએમ નવાઝ શરીફના પત્ની કુલસુમનો પાર્થિવ દેહ પાકિસ્તાન પહોંચ્યો

લાહોર- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની કુલાસમ નવાઝનો પાર્થિવ દેહ આજે લંડનથી લાહોર લાવવામાં આવ્યો છે. તેમની દફન વિધિ આજે સાંજે કરવમાં આવશે. કુલસુમ નવાઝનો પાર્થિવ દેહ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય એરલાઈન્સના વિમાન દ્વારા લાવવામાં આવ્યો હતો.પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાની એરલાઈન્સનું વિમાન અલ્લામા ઇકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્થાનિક સમય મુજબ સવારે 07:00 વાગ્યે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ તેમના પાર્થીવ શરીરને લાહોર સ્થિત નવાઝ શરીફના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યું હતું. છેલ્લા લાંબા સમયથી કેન્સરની બિમારી સામે લડ્યા બાદ ગત મંગળવારે લંડનની હોસ્પિટલમાં કુલસુમ નવાઝનું અવસાન થયું હતું. તેમની ઉંમર 68 વર્ષ હતી.

નવાઝ શરીફના નાના ભાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ, કુલાસુમની પુત્રી આસમા, તેમના પૌત્ર ઝાયેદ હુસૈન શરીફ સહિત પરિવારના 11 અન્ય સભ્યો કુલસુમના પાર્થિવ દેહ સાથે રહ્યાં છે.

કુલસુમના બન્ને દીકરાઓ હસન અને હુસૈન નવાઝ તેની માતાના અંતિમ સંસ્કાર માટે પાકિસ્તાન પરત ફર્યા નથી. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના આરોપમાં પાકિસ્તાનની એકાઉન્ટેબિલિટી કોર્ટે બન્નેને ફરાર જાહેર કર્યા છે. કુલસુમના જનાઝાની નમાઝ સ્થાનિક સમય અનુસાર સાંજે 5 કલાકે કરવામાં આવશે.