ઈમરાન-પોમ્પિયોની વાતચીતમાં આતંકવાદનો ઉલ્લેખ કરાયો નથી: પાકિસ્તાન

ઈસ્લામાબાદ- આતંકવાદ મુદ્દે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થઈ ગયો છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ગતરોજ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. જે અંગે અમેરિકાએ દાવો કર્યો છે કે, માઈક પોમ્પિયોએ ઈમરાન ખાનને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યારે પાકિસ્તાન તરફથી જણાવવામાં આવ્યું છે કે, બન્ને નેતાઓની ચર્ચામાં આતંકવાદને લઈને કોઈ વાત કરવામાં આવી નથી.છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન સ્થિત આતંકી સંગઠન તાલિબાન અને અન્ય આતંકી સંગઠનોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રુપે સમર્થન આપવાના કારણે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. આ માટે અમેરિકા પાકિસ્તાનને અનેક વખત ચેતવણી પણ આપી ચૂક્યું છે. અને અમેરિકા તરફથી પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાયમાં પણ કાપ મુક્યો હતો.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નુઅર્ટના જણાવ્યા મુજબ વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ઈમરાન ખાનને ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે, પાકિસ્તાનની નવી સરકાર દ્વિપક્ષીય સંબંધો સુધારવાની દિશામાં કામ કરશે.

વધુમાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નુઅર્ટે એમ પણ જણાવ્યું કે, માઈક પોમ્પિયો અને ઈમરાન ખાન વચ્ચે વાતચીત સકારાત્મક રહી હતી. જોકે તેમણે જણાવ્યું કે, અમેરિકા તેના અગાઉના નિવેદન પર અડગ છે.