પાકિસ્તાન એરસ્પેસ નાગરિક વિમાન વ્યવહાર માટે ખુલ્લું થયું…

નવી દિલ્હીઃ બાલાકોટ એરસ્ટ્રાઈકના 140 દિવસ બાદ પાકિસ્તાને પોતાના એરસ્પેસને મંગળવારના રોજ ખોલી દીધું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તત્કાલ પ્રભાવથી પાકિસ્તાન એરસ્પેસને તમામ પ્રકારના નાગરિક યાતાયાત માટે ખોલી દેવામાં આવ્યું છે. આ પગલાથી એર ઈન્ડિયાને મોટી રાહત મળવાની શક્યતાઓ છે. પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાની એરઈન્ડિયાને 491 કરોડ રુપિયાનું ભારે નુકસાન ઉઠાવવું પડ્યું.

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાના કારણે ભારતીય ઉડાનો માટે પાકિસ્તાની એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવી દિલ્હીથી જનારા તમામ વિમાનોનો ટાઈમ વધી જવાના કારણે એર ઈન્ડિયાને વધારે ઈંધણનો વપરાશ અને કર્મચારીઓ પર થનારા ખર્ચમાં વૃદ્ધિ અને ઉડાનોમાં ઘટાડો આવવાના કારણે રોજનું 6 કરોડ રુપિયાનું નુકસાન થઈ રહ્યું હતું.

પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર પર રોકના કારણે એર ઈન્ડિયાની ઉડાનને નવી દિલ્હીથી અમેરિકા જવામાં આશરે બે-ત્રણ કલાક જેટલો વધારે સમય લાગતો હતો. તો યૂરોપની ફ્લાઈટ્સ આશરે બે કલાક વધારે લે છે, જેનાથી નાણાકિય નુકસાન થાય છે.

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મહોમ્મદની આતંકી શિબિરો પર 27 ફેબ્રુઆરીના રોજ હુમલો કર્યા બાદ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. જેનાથી નવી દિલ્હીથી યૂરોપ અને અમેરિકાની વિમાન સેવા આપનારી મોટાભાગની એરલાઈન્સ પ્રભાવિત થઈ હતી.