પાકિસ્તાનમાં ઈતિહાસનું સૌથી મોટું વિદેશી રોકાણ કરશે સાઉદી અરબ

ઈસ્લામાબાદ -એક તરફ અમેરિકા અને ભારત સહિત દુનિયાના ઘણા દેશો પાકિસ્તાન પર વિવિધ પ્રકારે પ્રતિબંધ લગાવી રહ્યાં છે, તો બીજી તરફ અમુક એવા દેશો પણ છે જે પાકિસ્તાનની સતત મદદ કરી રહ્યાં છે. આ યાદીમાં પ્રથમ નામ ચીનનું આવે છે, જે ભારતની ચેતવણી બાદ પણ પાકિસ્તાન સાથે હાથ મિલાવી રહ્યું છે. આ યાદીમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે, તે છે સાઉદી અરબ. સાઉદી અરબે પણ પાકિસ્તાનની મદદ કરવાની જાહેરાત કરી દીધી છે.પાકિસ્તાનના એક પ્રધાને આ અંગે નિવેદન આપતા કહ્યું કે, સાઉદી અરબ પાકિસ્તાનમાં ઈતિહાસનું સૌથી મોટું વિદેશી રોકાણ કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર અસદ ઉમરે ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, આ પેકેજની ઘોષણા ટુંક સમયમાં જ કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, આ પેકેજને કેબિનેટની મંજૂરી માટે આગામી સપ્તાહે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

પ્રધાને કહ્યું કે, જલ્દી રોકાણ કરવા અંગે અન્ય લોકો મારફતે સાઉદીના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલામાન તરફથી સતત સંદેશા મળી રહ્યાં છે. બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને ફરી એક વખત મોટા ઝાટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાની અવગણના કરતા દેશોની યાદીમાં નાખી દીધું છે. એટલું જ નહીં અમેરિકાએ પાકિસ્તાનને અલ્પસંખ્યકો પર અત્યાચાર કરનારો દેશ પણ ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત નિક્કી હેલીએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન હમેશાંથી આતંકીઓને પનાહ આપતુ રહ્યું છે, જે દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યાં છે. હેલીએ ભાર પૂર્વક કહ્યું હતું કે, અમેરિકા પર પાછલા બારણેથી હુમલો કરતા દેશોને એક પૈસોની પણ આર્થીક સહાય ન કરવી જોઈએ.