ભારત સાથે સંબંધો સુધારવા પાક. આર્મી ચીફની સાંસદોને સલાહ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાની સાંસદોને ભારત સાથે સંબંધો સુધારવા જણાવ્યું છે. બાજવાએ આ માટે પાકિસ્તાની સેનાના સમર્થનનું પણ આશ્વાસન આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, બાજવાનું આ નિવેદન અમેરિકા તરફથી પાકિસ્તાન ઉપર સતત વધી રહેલા દબાણનું પરિણામ છે.

સેનેટ કમિટિની બેઠકમાં સાંસદોને સંબોધન કરતી વખતે જનરલ બાજવાએ કહ્યું કે, ભારત સાથે સંબંધો સામાન્ય બનાવવાના રાજકીય પ્રયાસમાં પાકિસ્તાની સેના સમર્થન કરશે. આ બેઠકમાં સેનેટ અધ્યક્ષ રઝા રબ્બાનીએ જનરલ બાજવાને નિમંત્રણ આપ્યું હતું. બાજવાની સાથે પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના ચીફ નાવેદ મુખ્તાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાકિસ્તાની અખબાર ડૉને સાંસદોના હવાલેથી જણાવ્યું છે કે, ‘જનરલ બાજવાએ મિટિંગ દરમિયાન જણાવ્યું કે, તે પાકિસ્તાનના બધા જ પાડોશી દેશો સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે. આ સાથે તેમણે ભારત સાથે સંબંધો સામાન્ય કરવાની પણ અપીલ કરી હતી. બાજવાએ એ વાત ઉપર ભાર મુક્યો કે, આ મામલે જે પણ રાજકીય પગલાં લેવામાં આવશે પાકિસ્તાની સેના તેમાં પુરો સહયોગ આપશે. એક વાત તો જગજાહેર છે કે, પાકિસ્તાની સેના ભારત સાથેના સામાન્ય સંબંધોનો હમેશા વિરોધ કરતી આવી છે, જોકે બાજવાનું આ નિવેદન કંઈક અલગ સુચન કરે છે.

બાજવાએ ભારત સાથેના સંબંધો સામાન્ય કરવાના પોતાના નિવેદન આપ્યા બાદ ‘યુ ટર્ન’ લીધો હતો. બાજવાએ કહ્યું કે, ભારતે મોટી સંખ્યામાં તેના સૈનિકો પાકિસ્તાન સામે તહેનાત કર્યા છે. ઉપરાંત બાજવાએ પાકિસ્તાનમાં ચાલી રહેલી અસ્થિરતા અને આતંકી પ્રવૃત્તિ માટે પણ ભારતને જવાબદાર ગણાવ્યું છે. બાજવાએ ભારત ઉપર આરોપ લગાવ્યો કે, ભારતને અફઘાનિસ્તાનની જાસુસી સંસ્થા સાથે મજબૂત સાંઠગાંઠ છે.