અક્ષય કુમારની ‘પેડ મેન’ ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

કરાચી – અક્ષય કુમાર અભિનીત ‘પેડ મેન’ ફિલ્મને પાકિસ્તાનમાં પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવી નથી. પાકિસ્તાનના સેન્સર બોર્ડનું કહેવું છે કે આ ફિલ્મ દેશની સંસ્કૃતિની વિરુદ્ધની છે.

‘પેડ મેન’ પાકિસ્તાનની પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધમાં હોવાથી પાકિસ્તાન સરકારે આ ફિલ્મને દેશમાં રિલીઝ કરવા પર મનાઈ ફરમાવી છે.

આ ફિલ્મનો વિષય મહિલાઓના માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા સાથે સંકળાયેલો છે. પાકિસ્તાનના કેન્દ્રીય સેન્સર બોર્ડે આર. બાલ્કિ દિગ્દર્શિત ‘પેડ મેન’ ફિલ્મને રિલીઝ કરવાનો ઈનકાર કર્યો છે.

આ ફિલ્મમાં રાધિકા આપ્ટે અને સોનમ કપૂરની પણ મહત્વની ભૂમિકાઓ છે.

પાકિસ્તાન સેન્સર બોર્ડના સભ્ય ઈશાક એહમદનું કહેવું છે કે, અમે અમારા ફિલ્મ વિતરકોને એવી ફિલ્મોની આયાત કરવાની પરવાનગી આપી ન શકીએ જે અમારી પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધમાં હોય.

પાકિસ્તાનના પંજાબ રાજ્યના ફિલ્મ સેન્સર બોર્ડના સભ્યોએ તો આ ફિલ્મ જોવાની પણ ના પાડી દીધી છે અને કહ્યું છે કે આ એક વર્જિત વિષય છે. આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે અમારી સંસ્કૃતિ, અમારા સમાજ અને ધર્મમાં પણ નથી.

પાકિસ્તાનના જાણીતા ફિલ્મ નિર્માતા સૈયદ નૂરે કહ્યું છે કે ‘પેડ મેન’ની જેમ ‘પદ્માવત’ ફિલ્મને પણ પાકિસ્તાનમાં આયાત કરવા દેવી ન જોઈએ, કારણ કે એમાં મુસલમાનોને નકારાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે.