નવા વર્ષે કિમ જોંગનો હુંકાર, પરમાણુ હથિયારનું ઉત્પાદન વધારશે નોર્થ કોરિયા

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગે વર્ષ 2018માં પણ પરમાણું હથિયારોનું ઉત્પાદન વધારવાના સંકેત આપ્યા છે. કિમ જોંગે વધુ પ્રમાણમાં પરમાણું હથિયારો અને મિસાઈલોનું ઉત્પાદન કરવા ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોને અપીલ કરી છે.

મહત્વનું છે કે, અમેરિકા સાથે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક પ્રતિબંધોની અવગણના કરીને પણ ઉત્તર કોરિયાએ વર્ષ 2017માં તેના પરમાણું કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો કાપ મુક્યા વગર સતત વધારો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, કિમ જોંગના નૈતૃત્વમાં ઉત્તર કોરિયાએ ગત કેટલાક મહિનાઓ દરમિયાન અનેક મિસાઈલ પરીક્ષણ કર્યા હતા. જે દરમિયાન ઉત્તર કોરિયાએ તેના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી (જેને હાઈડ્રોજન બોમ્બ પણ માનવામાં આવે છે.) બોમ્બનું પણ પરીક્ષણ કર્યું છે. વધુમાં કિમ જોંગે અમેરિકાને ટાર્ગેટ કરીને નિવેદન આપ્યું છે કે, પરમાણું હથિયારોનું નિયંત્રણ હંમેશા તેની પાસે જ હોય છે.

પોતાને એક પરમાણુ હથિયાર સંપન્ન દેશ તરીકે ગણાવતા કિમ જોંગે કહ્યું કે, ‘આપણે હજી વધુ પરમાણું હથિયાર અને મિસાઈલોનું ઉત્પાદન કરવાનું છે અને તેને વધુ ઝડપથી યોગ્ય સ્થળોએ તહેનાત કરવાની છે’.

ઉત્તર કોરિયાના જણાવ્યા અનુસાર તેનો પરમાણું કાર્યક્રમ વિશેષ કરીને અમેરિકાને ટાર્ગેટ કરીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં ઉત્તર કોરિયાએ અનેકવાર લાંબા અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. કિમ જોંગે જણાવ્યું કે, અમેરિકાની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો જવાબ આપવા ઉત્તર કોરિયા સક્ષમ છે.