અમેરિકામાં ભાડુઆતો માટે આનંદના સમાચાર, નવું વિધેયક પસાર થયું…

ન્યૂયોર્ક- અમેરિકામાં ન્યૂ યોર્ક રાજ્યના ધારાસભ્યોએ ઓછી આવકવાળા પરિવારોને ઊંચા અને સતત વધતાં જતાં મકાન ભાડામાંથી રાહત આપવા માટે એક વિધેયક પસાર કરી દીધું છે. સસ્તા ઘરની ગંભીર સમસ્યા છે, અને તેવા ઘર ઓછાં પણ છે. આ વિધેયકથી ભાડુઆતોને ફાયદો થશે, એક કાયદાકીય સંઘર્ષમાં તેમની જીત થઈ છે.સ્થાયી સંપત્તિના શક્તિશાળી માલિકો અને મકાન માલિકોના અધિકારો તેમજ ભાડુઆતો વચ્ચે એક વર્ષથી ચાલતી લાંબી લડાઈના ફળસ્વરૂપ હવે તેનો સુખદ ઉકેલ આવ્યો છે. નવેમ્બરમાં થયેલી ચૂંટણી પછી હવે આ વાત પર સહમતી બની છે, જેમાં ડેમોક્રેટ્સને રાજ્ય વિધાનસભામાં પૂર્ણ બહુમતી મળી છે.ન્યૂ યોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું હતું કે ભાડુઆતો પોતાના હિતની રક્ષા માટે દશકો સુધી અલ્બાનીના આંટા મારતા રહ્યા હતા. અમે તેમની સાથે ઉભા રહ્યાં, અને અમે તેમની સાથે લડ્યાં અને અંતે હવે આખરે તેમની પ્રતીક્ષા સમાપ્ત થઈ છે. ડેમોક્રેટિક ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમોએ આ વિધેયક પર હસ્તાક્ષર કરી તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. આ વિધેયકમાં એવા નિયમોને સમાપ્ત કરી દીધા છે કે તે અનુસાર ભવનના માલિકનો હક્ક બદલવા પર ભવન માલિકો ભાડામાં વધારો કરવાની મંજૂરી મળી જતી હતી.
હવે આ કાયદો લાગુ પડતા ભાડુઆતોને મકાન રીપેરીંગ કાર્ય માટે ભાડામાં વધારાના રૂપમાં પણ વધારાનો કોઈ ખર્ચ નહીં આપવો પડે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભારતીયો પણ ખૂબ મોટી સંખ્યામાં મકાન ભાડે રાખીને વસતાં હોય છે ત્યારે તેમના માટે આ સમાચાર ખુશીના સમાચાર બની રહેશે