ન્યૂ ઝીલેન્ડ સરકારે વિદેશીઓને ઘર ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો

0
1036

વેલિંગ્ટન- ન્યૂ ઝીલેન્ડની સરકાર વિદેશીઓને ઘર ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ પગલું ભર્યા બાદ ન્યૂ ઝીલેન્ડ સરકાર અન્ય દેશોના સટ્ટાખોરો પર લગામ લગાવવાનો તેનો વાયદો પૂરો કરશે. જેમના ઉપર ગેરકાયદે રીતે મકાનોની કિંમત વધારવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.ઓવરસીઝ ઈન્વેસ્ટમેન્ટ એમેન્ડમેન્ટ બિલ જે વિદેશી ખરીદદારોની મર્યાદા નક્કી કરે છે, તેને ગત રોજ ન્યૂ ઝીલેન્ડની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. હવે ગવર્નર જનરલની મંજૂરી બાદ આ બિલ કાયદાનું સ્વરુપ લેશે અને આગામી બે મહિનામાં પ્રતિબંધ અમલમાં મુકવામાં આવશે.

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ન્યૂ ઝીલેન્ડના નાણાંપ્રધાન ડેવિડ પાર્કરે કહ્યું કે, ‘વર્તમાન સરકારનું માનવું છે કે, ન્યૂ ઝીલેન્ડના નગરિકોને વિદેશી ખરીદદારો સામે મુશ્કેલીનો સમનો કરવો પડે નહીં’. આપને જણાવી દઈએ કે, ન્યૂ ઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડને ગત વર્ષે તેમના ચૂંટણી પ્રચારમાં વિદેશી ખરીદદારો સામે ઝુંબેશ ચલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી ખરીદદારોએ મકાનોની કિંમતમાં વધારો કર્યો છે અને ન્યૂ ઝીલેન્ડના સ્થાનિક લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે.

ગત એક દશક દરમિયાન ન્યૂ ઝીલેન્ડમાં મકાનોના ભાવમાં 60 ટકા જેટલો વધારો થયો છે. નવા કાયદા મુજબ રહેણાંક જમીનને ‘સંવેદનશીલ’ જાહેર કરવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે, ન્યૂ ઝીલેન્ડના નાગરિક નહોય તેવા લોકો વિદેશી રોકાણ કાર્યાલયની મંજૂરી મેળવ્યા વગર ન્યૂ ઝીલેન્ડમાં મિલકત ખરીદી શકશે નહીં.

આપને જણાવી દઈએ કે, ન્યૂ ઝીલેન્ડ સરકારના આ પગલાનો અનેક રોકાણકારોએ વિરોધ કર્યો છે અને વ્યાપક રોકણ પર રોક લગાવવાની સાથે વિદેશના બજરોમાં ન્યૂ ઝીલેન્ડની છબી ખરાબ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી છે.