ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલાખોરે વકીલને હટાવ્યો, પોતે જ કરશે પેરવી

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદો પર હુમલો કરીને 50 લોકોને મોતને ઘાટ ઉતારવાના આરોપી ઓસ્ટ્રેલિયાઈ બંદૂકધારીએ પોતાના વકીલને હટાવી દીધા છે અને કહ્યું છે કે તે પોતાનો કેસ જાતે જ લડશે. કોર્ટે તેના વકીલ તરીકે રિચર્ડ પીટર્સની નિયુક્તિ કરી હતી અને તેમણે શરુઆતી સુનાવણીમાં તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પીટર્સે જણાવ્યું કે આરોપી બ્રેંટન ટારેન્ટે સંકેત આપ્યા કે તેને વકીલની જરુર નથી. તેમણે કહ્યું કે આરોપી પોતાનો કેસ જાતે જ લડવા ઈચ્છે છે. તો પીટર્સે તેના સ્વાસ્થ્ય મામલે કહ્યું કે આરોપી પૂર્ણ રીતે સચેત પ્રતિત થઈ રહ્યો છે. તો કોઈપણ માનસીક સમસ્યાથી પીડાતો હોય તેવો નથી દેખાતો અને આસપાસ થઈ રહેલી ઘટનાઓથી પૂર્ણ રીતે વાકેફ છે.

તો હુમલાખોરને બંદૂક વેચનારા હથિયાર વિક્રેતાએ કહ્યું કે 50 લોકો માર્યા ગયા તેની પાછળ તે કોઈ રીતે જવાબદાર નથી. ગન સીટીના મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ ટિપ્પલે બ્રેંટન ટારેંટને ચાર હથિયાર અને કારતૂસ વેચવાની પુષ્ટી કરી છે પરંતુ હત્યાની જવાબદારી લેવાથી ઈનકાર કર્યો. તેણે કહ્યું કે અમે આ હથિયાર લાઈસન્સ ધારક મામલે કશું જ અસામાન્ય નહોતું લાગ્યું. બંદૂક વિક્રેતાએ કહ્યું કે હથિયાર લાઈસન્સ અરજીની તપાસ કરવી પોલીસનું કામ છે.

તો હુમલાના સંબંધમાં ન્યૂઝીલેન્ડ કોર્ટે ક્રાઈસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદ પરના હુમલાના સીધા પ્રસારણને લઈને 18 વર્ષીય એક યુવાન પર આરોપ નક્કી કર્યા છે. તેના પર ખોટા લક્ષ્યના રુપમાં મસ્જિદની તસવીર પ્રકાશિત કરવા અને હિંસા ભડકાવવાને લઈને આરોપ નક્કી કરવામાં આવ્યા છે. અભિયોજનકોએ કહ્યું કે તેને 14 વર્ષની જેલ થઈ શકે છે. ન્યાયાધીશે આ યુવાનનું નામ જાહેર નથી કર્યું.