અમેરિકામાં ત્રાસવાદી હુમલોઃ મેનહટનમાં ટ્રક ચાલકે ૮ને કચડી નાખ્યા

0
1950

ન્યૂ યોર્ક – અમેરિકાના ન્યૂ યોર્ક રાજ્યના ન્યૂ યોર્ક સિટીના મેનહટન ઉપનગરમાં ગઈ કાલે એક ટ્રક હુમલાખોરે લોકોની ભીડમાં ટ્રક ઘૂસાડીને આઠ જણને કચડી નાખ્યાનો બનાવ બન્યો છે. સત્તાવાળાઓએ આને ત્રાસવાદી કૃત્ય તરીકે ઓળખાવ્યું છે. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે.

મંગળવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૩.૦૫ વાગ્યે એક શખ્સ એની હોમ ડેપો પિકઅપ ટ્રક ચલાવતો હ્યુસ્ટન સ્ટ્રીટ પર વેસ્ટ સાઈડ હાઈવે બાઈસીકલ પાથમાં ઘૂસ્યો હતો. આ માર્ગ સાઈકલસવારો માટે અલાયદો રાખવામાં આવ્યો છે. હુમલાખોરે દક્ષિણ દિશા તરફ બેફામ રીતે ટ્રક હંકારવાનું શરૂ કર્યું હતું અને ઘણા રાહદારીઓ તથા સાઈકલસવારોને કચડી નાખ્યા હતા કે હડફેટમાં લીધા હતા. એ હુમલામાં આઠ જણનાં મરણ થયા છે અને બીજાં ૧૨ જણ ઘાયલ થયા છે.

ત્યારબાદ ચેંબર્સ સ્ટ્રીટ ખાતે ટ્રક એક સ્કૂલ બસ સાથે અથડાઈ હતી જેને કારણે બે પુખ્ત વયની વ્યક્તિ અને બે બાળકો ઘાયલ થયા હતા.

અથડામણ બાદ ટ્રક ડ્રાઈવર ટ્રકમાંથી ઉતર્યો હતો. એના હાથમાં એક પેઈન્ટબોલ ગન અને એક પેલેટ ગન હતી. પણ ગણવેશ વગરના એક પોલીસ અધિકારીએ હુમલાખોરને ગોળી મારી હતી અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ન્યૂ યોર્ક સિટીના પોલીસ કમિશનર જેમ્સ ઓનીલે કહ્યું કે હુમલાખોર ૨૯ વર્ષનો છે અને એ ન્યૂ યોર્કનો રહેવાસી નથી.

પોલીસે હુમલાખોરનો ફોટો રિલીઝ કર્યો છે. એ ઉઝબેકિસ્તાનનો રહેવાસી છે. એનું નામ સૈફુલો સાઈપોચ છે.

અહેવાલો અનુસાર, હુમલાખોરે ‘અલ્લાહુ અકબર’ (અરબી ભાષામાં આનો અર્થ ગોડ ઈઝ ગ્રેટ થાય છે) નારા લગાવ્યા હતા.

યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી કાઢી છે. એમણે લખ્યું છે કે, ન્યૂ યોર્ક સિટીમાં એક વધુ હુમલો માનસિક રીતે સાવ અસ્થિર એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

ટ્રમ્પે એક બીજું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણે ISIS સંગઠનને આપણા દેશમાં પાછું ઘૂસવા દેવાનું જ નથી. એને ત્યાં મધ્ય પૂર્વમાં જ ખતમ કરી નાખવાનું છે. બહુ થયું હવે.

ન્યૂ યોર્ક સિટી ત્રાસવાદી હુમલામાં ભોગ બનેલાઓ તથા એમના પરિવારજનો પ્રતિ હું મારી શોકની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તમારો દેશ તમારી સાથે જ છે, એમ ટ્રમ્પે ટ્વિટર પર વધુમાં લખ્યું છે.

ન્યૂ યોર્ક સિટીના મેયર બિલ ડી બ્લાસીઓએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે સત્તાવાળાઓ તરફથી મળેલી માહિતી અનુસાર આ બનાવ નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવતું કાયરતાભર્યું ત્રાસવાદી કૃત્ય છે.

(યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ટ્વીટ્સ)