સહારાનું રણ: 100 વર્ષમાં 9 લાખ વર્ગ કિમી વિસ્તારમાં વધુ ફેલાઈ ગયું

વોશિંગ્ટન- અમેરિકાની મેરિલેન્ડ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. વિશ્વના સૌથી મોટા રણના વિસ્તારમાં 10 ટકા જેટલો વધારો થયો છે. આ રિસર્ચ ગત 100 વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે મુજબ સહારા રણનો વિસ્તાર છેલ્લા 100 વર્ષમાં 9 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ વધી ગયો છે.વૈજ્ઞાનિકો આ ઘટના માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણાવી રહ્યાં છે. રિસર્ચ કરનારી ટીમનું કહેવું છે કે, ધરતીનું તાપમાન વધવાને કારણે રણનું ક્ષેત્રફળ વધી રહ્યું છે. રિસર્ચ ટીમે વર્ષ 1920થી 2013 સુધીમાં થયેલા સિઝનલ વરસાદના આંકડાઓનું એનાલિસીસ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સહારા રણની આસપાસના ઘણા એવા વિસ્તારો છે, જે પહેલા રણ પ્રદેશ ન હતો, પરંતુ હવે 100 ટકા રણમાં પરિવર્તન પામ્યો છે.

રિસર્ચમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે, આફ્રિકામાં ગરમીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેથી ત્યાંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી ઉપર પણ તેની વિપરિત અસર જોવા મળી છે. આગામી સમયમાં તેનું પરિણામ સમગ્ર વિશ્વ પર જોવા મળશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, અનિયમિત થઈ રહેલો વરસાદ રણ વિસ્તારમાં વધારો કરવામાં મુખ્ય ભાગ ભજવી રહ્યો છે.