નવી ભારતીય કરન્સીને નેપાળમાં કાયદેસર કરવાની નેપાળે RBIને વિનંતી કરી

કાઠમંડુ – નેપાળની કેન્દ્રીય નાણાકીય સત્તાધારી એજન્સી, એટલે કે નેપાલ રાષ્ટ્ર બેન્ક (NRB)એ ભારતીય રિઝર્વ બેન્કને વિનંતી કરી છે કે તે ભારતે ચલણમાં મૂકેલી ઊંચા મૂલ્યવાળી નવી ચલણી નોટોને નેપાળમાં વ્યવહાર માટે પણ કાયદેસર ઘોષિત કરે.

નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતીય રિઝર્વ બેન્કને પત્ર લખીને વિનંતી કરી છે કે તે રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ના મૂલ્યવાળી ચલણી નોટોને નેપાળમાં પણ કાયદેસર ચલણ તરીકે ઘોષિત કરે.

NRBએ RBIને કહ્યું છે કે તે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નોટિફિકેશન ઈસ્યૂ કરે જેને પગલે નેપાળમાં ભારતની રૂ. 100થી વધુ મૂલ્યની કરન્સી નોટો પણ નેપાળમાં કાયદેસર ચલણ તરીકે વાપરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે નેપાળમાં માત્ર રૂ. 100 અને તેથી ઓછા મૂલ્યવાળી ભારતીય કરન્સી નોટોને જ ચલણમાં રાખવાની મંજૂરી આપી છે.

ભારત સરકારે 2016માં નોટબંધી લાગુ કરીને રૂ. 500 અને રૂ. 1000ની બેન્ક નોટ્સને ગેરકાયદેસર જાહેર કરી તે પહેલાં રિઝર્વ બેન્કે FEMA નોટિકફિકેશન બહાર પાડીને નેપાળી નાગરિકોને 500 અને 1000ની ચલણી નોટોમાં રૂ. 25,000 સુધીની જ રકમ રાખવાની પરવાનગી આપી હતી.

નોટબંધી લાગુ કરાયા બાદ, ભારત સરકારે રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ના મૂલ્યવાળી નવી ચલણી નોટો બહાર પાડી હતી.

પરંતુ, આરબીઆઈએ આ નવી નોટોને નેપાળમાં વાપરવાની પરવાનગી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું નહોતું, તેથી આ મૂલ્યની નોટો નેપાળમાં પ્રતિબંધિત છે.