ચીનની અબજો ડોલરની જળવિદ્યુત પરિયોજનાને નેપાળે કહ્યું “ના”

કાઠમાંડૂ- નેપાળ સરકારે બુઢી ગન્ડકી નદી પર જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે ચીનનો સહયોગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં નેપાળના તત્કાલીન વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડના કાર્યકાળ દરમિયાન ચીનની કંપનીને આપવામાં આવ્યો હતો. જોકે નેપાળની વર્તમાન સરકારના નિર્ણયથી ભારતની ચિંતા નિશ્ચિતપણે સમાપ્ત થઈ છે.નેપાળની અગાઉની સરકારે ચીનને આ પ્રોજેક્ટને તેની બેલ્ટ અને રોડ પહેલ અંતર્ગત લૉન્ચ કરવા જણાવ્યું હતું. ભારતને ચિંતા હતી કે જો ચીન આ પ્રોજેક્ટ શરુ કરશે તો નેપાળમાં તેનું રોકાણ ભારત કરતાં પણ વધી જશે.

આપને જણાવી દઈએ કે, નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ આ કોન્ટ્રાક્ટ ચીનની જેઝૂબા ગ્રુપ કંપનીને આપ્યો હતો. નેપાળના ઉર્જાપ્રધાન વર્ષામાન પુને ગતરોજ જાહેરાત કરતાં જણાવ્યું કે, નેપાળની વર્તમાન સરકાર હવે બુઢી ગન્ડકી જળવિદ્યુત પરિયોજનાના નિર્માણ માટે દુનિયાભરમાંથી કંપનીઓને નિમંત્રણ આપશે.

મહત્વનું છે કે, બુઢી ગન્ડકી જળવિદ્યુત પરિયોજના પ્રોજેક્ટથી 1200 મેગાવોટ વિજળીના ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 2.73 અબજ ડોલરનો ખર્ચ થવાની ધારણા છે.