નેપાળે રોકી ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સની ડિગ્રી, ભારતીય દૂતાવાસ પાસે માગી મદદ…

0
440

કાઠમાંડુઃ નેપાળમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓની ડિગ્રી રોકવાનો મામલો સામે આવ્યો છે. કાઠમાંડુ વિશ્વ વિદ્યાલય અંતર્ગત આવનારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ કરનારા 134 વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે વિશ્વ વિદ્યાલય તેમની ડિગ્રી નથી આપી રહ્યું, વિદ્યાર્થીઓએ પત્ર લખીને આ વાતની ફરિયાદ ભારતીય દૂતાવાસને કરી છે.

વિરાટનગરમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા મહાવીર ગુર્જરે મીડિયાને જાણકારી આપી કે વિભિન્ન મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહેલાં આશરે 134 વિદ્યાર્થીઓને કાઠમાંડુ યુનિવર્સિટી દ્વારા વૈમનસ્યની ભાવનાના કારણે મેડિકલની ડિગ્રી નથી આપવામાં આવી રહી.

ગુર્જરે કહ્યું કે નેપાળમાં અત્યારે આશરે 3 હજાર ભારતીયો મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. અહીં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી 60 થી 70 હજાર રુપિયા ફી વસૂલવામાં આવે છે, જે નેપાળી વિદ્યાર્થીઓની ફી કરતાં અઢી ગણી વધારે છે.

પ્રતીકાત્મક તસવીરો

 

આ સાથે ગુર્જરે કાઠમાંડુ યુનિવર્સિટી પર ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી દ્વારા સતત તેમને નોટ ફિટ ફોર ટેક્નિકલ ગણાવવામાં આવી રહ્યાં છે. આના કારણે વિદ્યાર્થીઓને બીજીવાર ફી ચૂકવવી પડી રહી છે. જો કે અત્યારે આ વાતની અધિકારિક પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.