પહેલીવાર રેકોર્ડ થયો મંગળ પર હવાનો અવાજ, તમે પણ સાંભળી શકો છો આ અવાજ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકી અવકાશ એજન્સી નાસાના ઈનસાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર હવાનો એવાજ રેકોર્ડ કર્યો છે અને હવે ધરતી પર રહેનારા લોકો પહેલીવાર મંગળ ગ્રહ પરની હવાનો અવાજ સાંભળી શકશે. નાસાના ઈનસાઈટ લેન્ડરે મંગળ ગ્રહ પર 5 થી 7 મીટર પ્રતિ સેકન્ડથી ફૂંકાઈ રહેલી હવાને રેકોર્ડ કરી છે. નાસાએ આ લેન્ડર 26 નવેમ્બરના રોજ મંગળ ગ્રહ પર મોકલ્યું હતું. ઈમ્પીરિયલ કોલેજ લંડનના પ્રમુખ સંશોધકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સિસ્મોમીટરથી મળેલો આ શરુઆતની 15 મીનિટનો ડેટા છે. તેમણે આગળ જણાવ્યું કે કોઈ ઝંડો લહેરાતા સમયે જેવો અવાજ આવતો હોય, તે પ્રકારનો આ અવાજ છે.

આ અવાજ હકીકતમાં પરલૌકિક છે. ઈનસાઈટ લેન્ડરને મંગળ ગ્રહની અંદરની જાણકારીનું અધ્યયન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ભૂકંપની માહિતી મેળવવા માટે અને ગ્રહની ઉપરની સપાટીથી નીકળનારી ગરમીનું અધ્યયન સમાવિષ્ટ છે. નાસાના વાઈકિંગ 1 અને 2 લેન્ડર્સ 1976માં ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ મંગળ ગ્રહ પર હવાની ઉપસ્થિતીના સંકેત આપ્યા હતા.

તમે પણ આ અવાજને www.nasa.gov/insightmarswind વેબસાઈટ પર જઈને સાંભળી શકો છો.