સૂર્ય સુધી પહોંચવા NASA પ્રથમવાર મોકલશે અંતરિક્ષ યાન

વોશિંગ્ટન- અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા તેના પ્રથમ અંતરિક્ષ યાનને સૂર્ય તરફ મોકલવા તૈયારી કરી રહ્યું છે. એક કાર જેવા આકારનું આ અંતરિક્ષ યાન સૂર્યની સપાટીથી 40 લાખ માઈલ દૂરથી પસાર થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોઈ પણ અંતરિક્ષ યાને સૂર્યના આટલા પ્રકાશ અને તાપનો સામનો કર્યો નથી.પાર્કર સોલાર પ્રોબ યૂનાઇટેડ લૉન્ચ એલાયન્સ ડેલ્ટા 4 હેવીયાનમાં અંતરિક્ષમાં ઉડાન ભરશે. આ અંતરિક્ષ યાન માનવ દ્વારા નિર્મિત આત્યાર સુધીની કોઈ પણ વસ્તુના મુકાબલે સૂર્યની સૌથી વધુ નજીક જઈ તેનું અધ્યયન કરશે.

અમેરિકામાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના હેલિયોફિઝિક્સ સાઈન્સ ડિવિઝનના સહયોગી નિર્દેશક એલેક્સ યંગે જણાવ્યું કે, ‘અમે દાયકાઓથી સૂર્યનું અધ્યયન કરી રહ્યાં છીએ. અને હવે અમને સાચા અર્થમાં ખબર પડશે કે, અમે કેટલા સફળ થયા છીએ’.

આપણે આંખોથી જે સૂર્યને જોઈએ છીએ અને જેવો સૂર્ય આપણને દેખાય છે તેના કરતાં સૂર્ય વધુ જટિલ છે. મનુષ્યની આંખોને સૂર્ય ભલે સ્થાયી, ગોળાકાર અને નહીં બદલાતી વસ્તુ તરીકે દેખાતો હોય પણ વાસ્તવિકતા એ છે કે, સૂર્ય એક ગતિશીલ અને ચુંબકીય રીતે સક્રિય તારો છે.

અંતરિક્ષ યાન પાર્ક સોલાર પોતાની સાથે વિવિધ ઉપકરણો લઈ જશે. જે સૂર્યનું અંદરથી અને આસપાસથી પ્રત્યક્ષ રીતે અધ્યયન કરશે. આ ઉપકરણો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પરથી વૈજ્ઞાનિકોને સૌરમંડળના કેન્દ્ર એવા આ ચુંબકીય તારાના પાયાના સવાલોના જવાબ મેળવવામાં મદદ મળશે.