ટ્રમ્પ, કિમ જોંગની સિંગાપુરમાં યોજાનારી બેઠકમાં જોડાઈ શકે છે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ

સિંગાપુર- આગામી મહિને સિંગાપુરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી શિખર બેઠકમાં દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈન હાજરી આપી શકે છે. દક્ષિણ કોરિયાના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલી વર્તમાન ચર્ચાના આધારે એ નક્કી થશે કે, દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ સિંગાપોર જશે અથવા નહીં.દક્ષિણ કોરિયાની પ્રેસિડેન્ટ ઓફિસે જણાવ્યું છે કે, મૂન જે ઈનનો સિંગાપુર પ્રવાસ 12 જૂન આસપાસ યોજાઈ શકે છે. જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાશે. અધિકારીએ જણાવ્યું કે, આ અંગેની ચર્ચા હજી પ્રાથમિક તબક્કામાં છે, જેથી તેના પરિણામ ઉપર નક્કી કરવામાં આવશે કે, ટ્રમ્પ અને કિમ જોંગની બેઠકમાં દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ હાજર રહેશે અથવા નહીં.

આ ત્રિપક્ષીય સમ્મેલનનો પ્રસ્તાવ 27 એપ્રિલના રોજ કોરિયાના સરહદી વિસ્તાર પનમુનજોમમાં દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડરે રજૂ કર્યો હતો. દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે ઈને આશાવાદ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે બેઠક યોજાય તે આવકારદાયક છે.