અલ્જિરિયામાં લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 250નાં મરણ

અલ્જિયર્સ – અલ્જિરિયાના આ પાટનગર શહેરની હદમાં આવેલા બૌફેરિક એરબેઝ નજીક આજે અલ્જિરીયાનું એક લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 250થી વધુ લોકો માર્યા ગયા છે. એમાં મોટાં ભાગના લોકો પશ્ચિમી સહારાના પોલીઝેરિઓ આઝાદી આંદોલનના સભ્યો હતા. સરકાર સંચાલિત ટીવી ચેનલે અહેવાલ આપ્યો છે કે 257 જણના મરણ નિપજ્યા છે. વિમાન અલ્જિયર્સની હદમાં આવેલા એક ખેતરમાં તૂટી પડ્યું હતું.

એ વિમાન અલ્જિરિયન હવાઈ દળનું હતું અને ઈલ્યૂશિન II-76 હતું. વિમાન અલ્જિરીયાના પશ્ચિમી ભાગ તરફ આવેલા બેચર શહેર તરફ જતું હતું ત્યારે તૂટી પડ્યું હતું.

બૌફેરિક એરબેઝ ઉત્તરીય અલ્જિરીયામાં આવેલું છે. પાટનગર અલ્જિયર્સથી એ લગભગ 30 કિ.મી. દૂર આવેલું છે.

ઘટનાસ્થળે 14 એમ્બ્યૂલન્સ મોકલવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ તરફ જતા તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.