વિજય માલ્યાનો પીએમ મોદીને પત્રઃ ‘હું બેન્ક ડિફોલ્ટનો પોસ્ટર બોય બની ગયો છું’

લંડન – લિકર ઉદ્યોગના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘હું તો બેન્ક લોન ડિફોલ્ટરોની જાણે ઓળખ બની ગયો છું.’

ભારતમાંથી ભાગીને લંડનમાં રહેતા માલ્યાએ લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે. એણે કહ્યું છે કે પોતાની વિશે ઊભો થયેલો વિવાદ કમનસીબ છે અને એના સંદર્ભમાં એણે પોતાની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવા માટે પીએમને પત્ર લખ્યો હતો. એણે વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી, બંનેને 2016ની 15 એપ્રિલે પત્રો લખ્યા હતા અને પોતાની બાજુની સ્પષ્ટતા કરી હતી.

એક નિવેદનમાં માલ્યાએ લખ્યું છે કે, મોદી કે જેટલી તરફથી હજી સુધી એ પત્રનો કોઈ જવાબ મળ્યો નથી એટલે તે પત્રની હવે વિગત જાહેર કરે છે.

માલ્યા વધુમાં કહે છે, ‘મને નેતાઓ અને મિડિયાએ આરોપી બનાવી દીધો છે, કે જાણે કિંગફિશર એરલાઈન્સને અપાયેલી લોનના રૂ. 9000 કરોડ લઈને હું ભાગી ગયો છું. લોન આપનાર કેટલીક બેન્કોએ મને ઈરાદાપૂર્વકના ડિફોલ્ટર તરીકે સ્થાપિત કરી દીધો છે.’

માલ્યા હાલ બ્રિટનમાં છે અને એના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર પ્રયાસ કરી રહી છે. માલ્યા ભારતે કરેલા કેસ સામે લડી રહ્યો છે. એનું એમ પણ કહેવું છે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સરકાર અને લોન આપનાર બેન્કોના કહેવાથી પોતાની સામે ખોટા આરોપ રજૂ કરીને ચાર્જશીટ્સ ફાઈલ કરી છે.

બેન્કોની લોન ભરપાઈ કરવા સંપત્તિ વેચી દેવા માલ્યા તૈયાર

માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટ પાસે પરવાનગી માગી છે કે જે સરકારી બેન્કો પાસેથી પોતે લોન લીધી છે એમને તે રકમ પરત કરવા માટે એ પોતાની સંપત્તિ વેચી દેવા તૈયાર છે. પોતાને અને પોતાની માલિકીની યુનાઈટેડ બ્રુવરીઝ હોલ્ડિંગ લિમિટેડ (UBHL) કંપનીને એમની સંપત્તિઓ વેચવા માટે માલ્યાએ કોર્ટ પાસે પરવાનગી માગી છે.

માલ્યાની ઓફિસ દ્વારા આજે લંડનમાં બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે UBHL અને મેં ગઈ 22 જૂને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી નોંધાવી છે અને રૂ. 13,900 કરોડની કિંમતની સંપત્તિ વેચી દેવાની પરવાનગી માગી છે.

માલ્યા પર આરોપ છે કે એણે એસબીઆઈ, પીએનબી, આઈડીબીઆઈ બેન્ક, બેન્ક ઓફ બરોડા, અલાહાબાદ બેન્ક, ફેડરલ બેન્ક અને એક્સિસ બેન્ક સહિત 11 બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લીધી હતી. બેન્કોએ જેવી પોતાની રકમ પાછી મેળવવા માટે પગલાં લેવાની શરૂઆત કરી એટલે માલ્યા 2016માં મધરાતે ભારતમાંથી પલાયન થઈ ગયો હતો અને બ્રિટન જતો રહ્યો હતો.