હાફિઝને લઈને પાક.ને અમેરિકાએ આપેલી ‘સખત ચેતવણી’ કેટલી સાચી?

ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના જેલમાંથી છૂટ્યાં બાદ અમેરિકાએ પાકિસ્તાનને જે શિખામણ આપી એમાં તથ્ય કેટલું? શું આ શિખામણ ભારત સહિત વૈશ્વિક સમુદાયને પ્રભાવિત કરવા માટે છે કે તેના ઉપર પાકિસ્તાન અમલ ન કરે તો અમેરિકા કોઈ પગલાં લેશે ખરું?

ઉપરોક્ત સવાલ થવો સ્વાભાવિક છે કારણ કે અમેરિકાએ પાકિસ્તાનને મોટીમોટી શિખામણો તો આપી દીધી પરંતુ તેના પર નક્કર કાર્યવાહી કરવાથી અમેરિકા બચી રહ્યું છે. એનું કારણ કદાચ અમેરિકા અને પાકિસ્તાનની મિત્રતા હોઈ શકે અથવા અફઘાનિસ્તાન સહિત મિડલ ઈસ્ટમાં પોતાના હિતનું રક્ષણ કરવાની મજબૂરી.

રસપ્રદ વાત એ છે કે, હાલમાં જ અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન પાકિસ્તાનના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને 75 આતંકીઓની યાદી સુપ્રત કરી હતી, પરંતુ આ યાદીમાં હાફિઝ સઈદનું નામ ક્યાંય ન હતું. મહત્વની વાત છે કે, અમેરિકાએ હાફિઝ સઈદના માથા ઉપર એક કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરી છે. હવે પ્રશ્ન એ થાય કે, ભારતના તમામ પ્રયાસો છતાં અમેરિકાએ હાફિઝ સઈદના નામનો સમાવેશ આતંકીઓની યાદીમાં કેમ ન કર્યો?

સૌ કોઈ જાણે છે કે, પાકિસ્તાનને સૌથી વધુ સૈન્ય સહાય અને આર્થિક મદદ પણ અમેરિકા જ કરે છે. અમેરિકા દ્વારા પાકિસ્તાનને આ મદદ વર્ષ 1947થી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકામાં અનેક સત્તાઓ બદલાઈ પરંતુ પાકિસ્તાનને માત્ર કડક ચેતવણીઓ આપવામાં આવી પણ તેને આપવામાં આવતી આર્થિક મદદ પર અમેરિકાએ ક્યારેય કાપ નથી મૂક્યો. જોકે અમેરિકાના વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ થોડી ઓછી કરીને તેને કેટલાક શરતોના માપદંડમાં બાંધી દીધી છે.