કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને કર્યો સેલ્ફ ગોલ, ભારતનો કેસ વધુ મજબૂત

નવી દિલ્હીઃ પાકિસ્તાનનું એક પગલું કુલભૂષણ જાધવ કેસમાં તેને ભારે પડી શકે છે. હકીકતમાં ગત સપ્તાહે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટના એક નિર્ણયના પક્ષમાં વોટ કર્યો જેનો સંદર્ભ ભારતે જાધવના કેસમાં આપ્યો હતો. આવામાં જાધવ કેસમાં ભારતનો પક્ષ વધારે મજબૂત બન્યો છે. આને પાકિસ્તાન દ્વારા જાધવ કેસમાં કરવામાં આવેલો સેલ્ફ ગોલ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આવો સમજીએ કે આખો મામલો શું છે.

પાકિસ્તાનમાં કથિત રીતે જાસૂસીના આરોપમાં મૃત્યુ દંડની સજા પામેલા ભારતીય નાગરિક જાધવને કાઉન્સિલર એક્સેસ ન આપવાના મામલે ભારતે 2004ના અવીના અને બીજા મેક્સિકન નાગરિકોના સંદર્ભમાં કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે અમેરિકા પર વિયના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ સાબિત થયો હતો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાકિસ્તાને ગત સપ્તાહે ભારત સહિત 68 અન્ય દેશોની સાથે સંયુક્ત રાષ્ટ્રના તે પ્રસ્તાવના સમર્થનમાં વોટ કર્યો જેમાં કહેવાયું છે કે ICJના અવીના જજમેન્ટને પૂર્ણ રુપથી અને તત્કાલ લાગૂ કરવામાં આવે. હકીકતમાં 14 વર્ષ બાદ પણ અમેરિકાએ અત્યારસુધી ICJના આદેશને લાગૂ કર્યો નથી.

આપને જણાવી દઈએ કે સીજેઆઈ સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ન્યાયિક શાખા છે. ICJમાં જાધવ કેસ પર ફેબ્રુઆરી 2019માં સુનાવણી થવાની છે જેણે અંતિમ નિર્ણય આવવા સુધી પાકિસ્તાન દ્વારા જાધવને મૃત્યુની સજા દેવા પર સ્ટે લગાવ્યો હતો. અધિકારિક સુત્રોનું માનીએ તો ભારત સીજેઆઈ સમક્ષ અવીના જજમેન્ટના સમર્થનમાં પાકિસ્તાનના વોટ આપવાનો મામલો પણ ઉઠાવશે.

અવીના કેસ મેક્સિકોના 54 નાગરિકોને લઈને જેમને અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી. મેક્સિકોએ અમેરિકા વિરુદ્ધ જાન્યુઆરી 2003માં કાયદાકીય કાર્યવાહી શરુ કરી. મેક્સિકોએ જણાવ્યું કે તેને નાગરિકોની ધરપકડ કરીને સુનાવણી કરવામાં આવી અને દોષીત જાહેર કરીને મૃત્યુની સજા સંભળાવવામાં આવી જે વિયના કન્વેન્શનના આર્ટિકલ 36 અંતર્ગત નથી. અમેરિકાએ વિરોધ કર્યો પરંતુ કોર્ટે તેને વિયના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનું દોષીત માન્યું.