નોર્થ કોરિયાના સનકી તાનાશાહે પોતાના જ આર્મી ઓફિસરને મોતને ઘાટ ઉતાર્યો

પ્યોંગયાંગ- નોર્થ કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના જ દેશના આર્મી ઓફિસરને મોતને ઘાટ ઉતાર્યો છે. મળતી માહિતી મુજબ આર્મી ઓફિસર રહસ્યમય સંજોગોમાં લાપતા થયા હતા. જેને ગત બે મહિનાથી કોઈએ પણ જોયા નહતા. આપને જણાવી દઈએ કે, લાપતા થયેલા અધિકારી હ્વાંગ પ્યોંગ સો કિમ જોંગની કોર ટીમના પ્રમુખ અધિકારી હતા. જેમની ઓળખ નોર્થ કોરિયાના એક તાકતવર અધિકારી તરીકે કરવામાં આવતી હતી.

સૂત્રોનું માનીએ તો, વાઈસ માર્શલ હ્વાંગ પ્યોંગ સો ગત 13 ઓક્ટોબર બાદ જોવા મળ્યા નથી. તેમના લાપતા થયા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, ઉત્તર કોરિયાની સેનાની વિશેષ ટુકડીએ તેમને મોતને ઘાટ ઉતાર્યા છે. ઉત્તર કોરિયા દ્વારા મળી રહેલા રિપોર્ટ મુજબ હ્વાંગ પ્યોંગ સો સામે ભ્રષ્ટાચારના આરોપ સાબિત થયા હતા જેથી સજારુપે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

જાપાનની ન્યૂઝ એજન્સીએ દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાનો હવાલો આપીને જણાવ્યું છે કે, હ્વાંગ પ્યોંગ સો અને તેના ડેપ્યુટી કિમ વોન હોન્ગને સેનાએ તેમના પદ ઉપરથી બરતરફ કર્યા હતા અને તેમને મોતની સજા ફરમાવી હતી.

મળતી માહિતી મુજબ એમ પણ જણાવવામાં આવ્યું કે, વોન હોન્ગ ઉત્તર કોરિયાની કોઈ જેલમાં સજા ભોગવી રહ્યાં હતાં. પરંતુ હ્વાંગ પ્યોંગ સોને નિશ્ચિત રુપે કિમ જોંગે મોતને ઘાટ ઉતાર્યા છે. જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે કિમ જોંગે તેના કોઈ અધિકારીની હત્યા કરાવી હોય. આ પહેલા પણ કિમ જોંગે તેના અધિકારીઓ અને દુશ્મનોની અનેકવાર રહસ્યમય સંજોગોમાં હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું છે.