આતંકી સંગઠન ‘જૈશે’ તૈયાર કરી સ્પેશિયલ સ્ક્વોડ, ટાર્ગેટ પર છે BJPના ટોચના નેતાઓ

ઈસ્લામાબાદ- આતંકી મૌલાના મસૂદ અઝહરનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં કેટલાક ટોચના નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો અને મુખ્યપ્રધાનોને ટાર્ગેટ કરી તેમની હત્યાનું કાવતરું કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલી માહિતી મુજબ આ ઘટનાને અંજામ આપવા આતંકીઓએ એક સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી છે.

સૂત્રોનું માનીએ તો, ગત સપ્તાહે ઈન્ટેલીજન્સ એજન્સીએ એવા દરેક નેતાઓ સાથે માહિતી શેર કરી છે જેઓ આતંકી સંગઠનના ટાર્ગેટ પર છે. મળતી માહિતી મુજબ આ કામ માટે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ હાથ મિલાવ્યા છે. આ બન્ને આતંકી સંગઠનો હથિયાર મેળવવા માટે બાંગ્લાદેશ સ્થિત એક કેડરનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ વાતની પણ માહિતી સામે આવી છે કે, જે આતંકીઓને આ કામ સોંપવામાં આવ્યું છે, તેમાંથી કેટલાક તો સરહદની અંદર પણ ઘુસી ગયા છે.

માહિતી અનુસાર આતંકીઓની વાતચીત સાંભળીને જાણવા મળ્યું કે, તેમણે એક એવા સીએમને ટાર્ગેટ કર્યા છે જેની સુરક્ષા અત્યંત સઘન નથી. જોકે આ વાતની હજી IB દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. બીજીતરફ વિદેશી ખાનગી એજન્સીઓએ બાંગ્લાદેશમાં એવા સ્થાનોની તપાસ કરી લીધી છે જે આતંકીઓના હથિયાર માટેનો મુખ્ય સ્રોત હતો. જોકે અહીં તેમને કાંઈજ નક્કર પુરાવા મળ્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ જૈશના પ્રમુખ આતંકી અઝહર પર ભારતીય એજન્સીઓ દ્વારા કાર્યવાહી અને તેના ભાણેજ તાલ્હા રશીદને ભારતીય સૈન્યએ ઠાર કર્યા બાદ આતંકીઓ ઘણા નારાજ છે. માનવામાં આવી રહ્યું છે કે, રશીદની મોતથી સંગઠનને મોટું નુકસાન થયું છે. કારણકે અનેક મોટા આતંકી હુમલાઓમાં તેની મુખ્ય ભૂમિકા હતી. જેમાં પુલવામા પોલીસ લાઈન અને શ્રીનગર એરપોર્ટ પરના હુમલાનો પણ સમાવેશ થાય છે.